ફેસ ઓફ નેશન વિશેષ અહેવાલ,(ધવલ પટેલ) 31-03-2020 : દેશભરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે, રોજ બરોજ કેસોમાં વધારો ઘટાડો નોંધાતો રહે છે ત્યારે સૌ કોઈને લોકડાઉન હજુ વધારવામાં આવશે કે 21 દિવસ પછી છૂટ આપી દેવામાં આવશે તેને લઈને સવાલો છે ત્યારે ફેસ ઓફ નેશન દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યો છે. હાલની પરિસ્થતી જોતા દેશમાં મોટાભાગે તમામ રાજ્યોની સરહદો સીલ કરી દેવામાં આવી છે. તમામ રાજ્યોએ પોતપોતાની પોલીસ બોર્ડર ઉપર તૈનાત કરી દીધી છે અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈને આવવા જવા દેવામાં આવી રહ્યા નથી. કોઈ ઇમરજન્સી કેસ હોય તો તેના પૂરતા પુરાવા ધ્યાને લઈ ચકાસણી કરીને આવવા જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આ વાઇરસનો વધુ ફેલાવો ન થાય અને તેને ફેલાતો જે તે રાજ્યમાં જ અટકાવી લેવાય. હાલની પરિસ્થિતિ પ્રમાણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કેરળ જેવા રાજ્યોમાં રોજ કોરોના પોઝિટિવની સંખ્યા નોંધાય છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સરકારની કામગીરી પ્રશંસાને પાત્ર રહી છે. લોકડાઉનના કડક અમલના કારણે ગુજરાતમાં કોરોનાને ફેલાતો અટકાવવામાં સફળતા મળી રહી છે. જો કે હજુ કેસો નોંધાવાના ચાલુ છે પરંતુ તે અન્ય રાજ્યોની સરખામણીએ ઘણા ઓછા અને નહિવત છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લોકડાઉનની અસર કોરોના વાઇરસના ફેલાવા ઉપર કેવી થઇ રહી છે તે અંગે તમામ રાજ્યોની સાથે સાથે કેન્દ્ર સરકાર પણ બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને એક વિશેષ અભ્યાસ કરી રહ્યું છે. 21 દિવસના લોકડાઉન દરમ્યાન કેન્દ્ર સરકાર અભ્યાસ કરશે કે, ક્યા રાજ્યમાં કોરોનાના કેસો વધુ નોંધાયા છે અને ક્યા રાજ્યમાં તે કાબુમાં આવ્યો છે. જો કોઈ રાજ્યમાં આ રોગ કાબુમાં આવશે કે કોઈ રાજ્યમાં કોરોનાના કેસોમાં સંપૂર્ણ ઘટાડો જણાશે તો કેટલાક નિયમોને આધીન જે તે રાજ્યમાં લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવશે પરંતુ જો કોઈ રાજ્યમાં આ વાઇરસનો ફેલાવો અને કેસો જણાશે તો તેને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં. સાથે જ જે રાજ્યો કોરોના વાઇરસમાંથી મુક્ત થશે તેની સરહદો સીલ કરી દેવામાં આવશે. તે રાજ્યમાં અવરજવર ઉપર થોડા દિવસ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે જેથી કરીને અન્ય રાજ્યોમાંથી કોઈ કોરોના વાઇરસ અસરગ્રસ્ત વ્યક્તિ પ્રવેશી ન શકે. એવી કોઈ ઇમરજન્સી હશે તો રાજ્યની બોર્ડર ઉપર કડક તપાસ બાદ જ તેને આવવાની મંજૂરી આપવામાં આવશે.
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ