Face Of Nation : ફાયરિબ્રગેડ તેમજ કોર્પોરેશનના સ્ટાફ દ્વારા સમગ્ર શહેરને સેનીટાઇઝ કરવાની કામગીરી ચાલી રહી છે. દિલ્હી દરવાજાથી માંડીને શહેરના તમામ રસ્તાઓ ઉપર હાલ ફાયરબ્રિગેડ અને કોર્પોરેશનનો સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે. સમગ્ર શહેરમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી પણ ચાલી રહી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર અને સત્તાધીશો દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે. જો કે લોકો આ રોગની ગંભીરતા સમજીને સ્વેચ્છાએ બહાર ન નીકળવાનું મુનાસીબ માને તે જરૂરી છે.
કોરોનાના વાઈરસને અટકાવવા માટે મંગળવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે સમગ્ર દેશને લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. જેના પગલે અમદાવાદમાં મંગળવાર રાતથી જ મેડિકલ, દૂધની ડેરીઓ સહિત તમામ જીવનજરૂરીઆત વસ્તુઓ માટે લોકોએ લાઈનો લગાવી હતી. જોકે લોકડાઉન સમયે પણ દૂધ, મેડિકલ સ્ટોર, શાકભાજી તેમજ કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરના કેટલાક વિસ્તારોમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. એક દિવસમાં ડબલ ભાવ થતા સ્થાનિકો ચિંતામાં મુકાયા છે.