Face Of Nation:બિહાર અને આસામમાં વરસાદ-પૂરથી અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત નિપજ્યાં છે. બિહારમાં કોસી, ગંડક સહિત 5 નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે જેને પગલે 6 જિલ્લા તેની ઝપેટમાં છે. બીજી બાજુ આસામમાં બ્રહ્મપુત્ર સહિત 10 નદીઓના જળસ્તર ખતરાના નિશાન ઉપરથી વહી રહ્યાં છે. રાજ્યના 33માંથી 25 જિલ્લામાં 15 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કાઝીરંગા નેશનલ પાર્કનો 70%થી વધુ વિસ્તાર ડૂબી ગયો છે. બિહારના આપદા પ્રબંધન વિભાગના મુખ્ય સચિવ અમૃતે જણાવ્યું કે નદીઓનું જળસ્તર વધતાં 6 જિલ્લા- શિવહર, સીતામઢી, ચંપારણ, મધુબની, અરરિયા અને કિશનગંજમાં જનજીવનને અસર થઈ છે. કિશનગંજમાં બે બાળકોના મોત નિપજ્યાં છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. પૂરના કારણે 7 ટ્રેન રદ થઈ છે.
આસામના 25 જિલ્લામાં 15 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. રેસ્ક્યૂ ટીમોએ લગભગ 20 હજાર લોકોને 68 રાહત શિબિરમાં પહોંચાડ્યા છે. બારપેટા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે. અહીં પાંચ લાખથી વધુ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફોન કરીને પૂરની સ્થિતિ અંગે માહિતી આપી. શાહે આસામ અને અન્ય રાજ્યોમાં પૂરની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.