Face Of Nation, 29-09-2021: બે દિવસ પહેલા ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં આવેલા ગુલાબ વાવાઝોડા બાદ હવે ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકી શકે છે. રાજ્ય માટે આગામી 24 કલાક ખુબ મહત્વની છે. રાજ્યમાં વાવાઝોડાની અસર શરૂ પણ થઈ ગઈ છે. અનેક જગ્યાએ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ ગુલાબ વાવાઝોડાની જ પોસ્ટ ઈફેક્ટ છે. સાથે આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે.
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 30 સપ્ટેમ્બર એટલે કે ગુરૂવારે રાજ્યમાં 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો રાજ્યના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. તો આનંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને મોરબીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 1 ઓક્ટોબરે પણ વાવાઝોડાની અસર જોવા મળશે. એટલે કે શુક્રવારે કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 45-65 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. તો આ દરમિયાન દરિયામાં પણ ભારે મોજા ઉછળતા જોવા મળી શકે છે.
રાજ્યમાં વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિને કારણે માછીમારોને 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો દરિયામાં છે તેમને પણ ચેતવણી આપવામાં આવી છે. કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી સતત માછીમારોને એલર્ટ કરવામાં આવી રહ્યાં છે. તો બંદરો પર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્યમાં શાહીન વાવાઝોડાનો ખતરો છે. વાવાઝોડાની અસરને કારણે રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે. તો આગામી બે દિવસ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે સાવચેતીના ભાગ રૂપે રાજ્યમાં NDRF ની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી છે.
મુખ્યમંત્રીએ ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી ભરૂચ સહિતના વિસ્તારોમાં થયેલા વ્યાપક વરસાદ અને ઝડપી પવનથી કોઇ મોટું નુકશાન કે જાનહાનિ ના થાય તે માટેની સંબંધિત જિલ્લા તંત્રો અને રાજ્ય સરકારના વિભાગોની સજ્જતા સતર્કતા અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોના લોકોની સ્થિતી, જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર કરવાના કિસ્સાઓમાં આશ્રયસ્થાન તેમજ ભોજન પ્રબંધ, પવનની ગતિ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)