Face Of Nation 25-04-2022 : ભારતના પૂર્વ ઓપનર અરુણ લાલ ફરી વરરાજા બનવાના છે. તેઓ 66 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવાના છે. પત્નીનું નામ બુલબુલ શાહા છે અને તેની ઉંમર 38 વર્ષ છે. આમ બુલબુલ અરુણ લાલ કરતાં 28 વર્ષ નાની છે. અરુણ અને બુલબુલ ઘણાં સમયથી એકબીજાને જાણે છે. બંને ઘણા જૂના મિત્રો છે. અરુણ લાલે લગ્નના કાર્ડ પણ છપાવી દીધા છે અને તે વહેંચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તેમના લગ્ન બીજી મેના રોજ કોલકાતા પીયરલેસ ઈન હોટલમાં છે. લગ્ન પછી ગ્રાન્ડ રિસેપ્શન પણ રાખવામાં આવ્યું છે.
બંનેએ સહમતીથી ડિવોર્સ લીધા: પ્રથમ પત્નિ
અરુણ લાલના પહેલાં લગ્ન રીના સાથે થયા હતા. બંનેએ સહમતીથી ડિવોર્સ લીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીના ઘણાં સમયથી બીમાર છે. તેમની મરજીથી જ બીજા લગ્ન થઈ રહ્યા છે. અરુણ અને બુલબુલે એક મહિના પહેલાં જ સગાઈ કરી છે. જોકે તેમની વચ્ચે સંબંધ ઘણાં સમયથી છે.
કેન્સરને માત આપીને બંગાળ ટીમના કોચ બન્યા
અરુણનો જન્મ 1 ઓગસ્ટ 1955માં ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તેઓ બંગાળ માટે ક્રિકેટ રમતા હતા. તેમના લગ્નમાં પણ ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ (CAB)ના અધિકારીઓ, સાથી ક્રિકેટર્સ, બંગાળના ક્રિકેટર્સ અને બાકી પરિવારજનોને આમંત્રણ આપવામાં આવશે. અરુણને 2016માં કેન્સર થયું હતું, તેના કારણે તેમણે કોમેન્ટ્રી પણ છોડી દીધી હતી. હવે તેમણે ફરી બીમારીને માત આપીને બંગાળની ટીમનું કોચિંગ સંભાળ્યું છે.
કેવી રીતે બુલબુલ-અરુણ વચ્ચે થઈ મુલાકાત
આ વિશે બુલબુલે કહ્યું છે કે, હું અરુણને ઘણાં સમયથી ઓળખતી હતી. પરંતુ એક કોમન ફ્રેન્ડની પાર્ટીથી અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બુલબુલ કોલકાતામાં એક પ્રાઈવેટ સ્કુલમાં ટીચર છે. તેમનો સૌરવ ગાંગુલી પરિવાર સાથે પણ ખુબ જૂનો સંબંધ છે. બુલબુલે જણાવ્યું કે, ભારતના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઈ અધ્યક્ષ તેમના પારિવારિક મિત્ર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).