Home Uncategorized રાજકોટમાં નીતિનિયમો નેવે મૂકીને ભાજપના રાજકીય પીઠબળ હેઠળ ચાલતા ફનઝોને 27 નિર્દોષનો...

રાજકોટમાં નીતિનિયમો નેવે મૂકીને ભાજપના રાજકીય પીઠબળ હેઠળ ચાલતા ફનઝોને 27 નિર્દોષનો જીવ લીધો !

Face Of Nation 25-05-2024 : ગુજરાતના રાજકોટમાં ગોઝારી ઘટના સર્જાઈ છે. નીતિનિયમો નેવે મૂકીને ચલાવવામાં આવતા ફનઝોને 27 નિર્દોષોનો જીવ લેતા હાહાકાર મચી ગયો છે. આ ઘટના પાછળ જવાબદાર તમામ લોકો ભાજપનું રાજકીય પીઠબળ ધરાવતા હોવાની માહિતી સામે આવી છે અને આ તમામ જવાબદાર લોકોએ સેફટી માટે કોઈ પણ નીતિનિયમોનું પાલન કર્યું નહોતું. ભ્રષ્ટાચારની આડમાં રાજકીય પીઠબળ હેઠળ ચાલી રહેલા આ ગેમઝોનમાં બનેલી ઘટનાને લઈને અનેક પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રાજકોટના અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે જે ઘણી ગંભીર અને દુઃખદ બાબત છે. માણસાઈને હચમચાવી નાખે તેવા દ્રશ્યો જોવા મળ્યા જયારે આ ગેમઝોનમાં ગયેલા લોકોની લાશો કોલસા જેવી હાલતમાં બહાર કાઢવામાં આવી હતી. આ દુઃખદ ઘટના માટે કોઈ શબ્દો નથી. લોકોના જીવ જાય અને માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટનાઓ વારેવારે બની રહી હોવા છતાં નફ્ફટ રાજકીય તંત્ર કે ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓને કોઈ જ પડી નથી. તપાસના નામે કમિટી બનાવવાના નાટકો કરશે અને થોડો સમય પછી બધું શાંત પાડી દેવામાં આવશે, જે અત્યંત શરમજનક વાત છે.
રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ફાટી નીકળેલી વિકરાળ આગમાં અનેક લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હાલ 29એ પહોંચ્યો છે. આ દુર્ઘટનામાં એવી કરુણતા સર્જાઈ કે મૃતદેહો બળીને કોલસા જેવા થઈ ગયા જેથી વાલીઓ પોતાના બાળકોના ચહેરા છેલ્લી વાર પણ જોઈ શક્યા નહિ. ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈનની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા મિસિંગ લોકોની યાદી એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ પ્રાથમિક માહિતી પ્રમાણે કેટલાક લોકો ગુમ હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં ધરપકડ કરવામાં આવેલા 10 આરોપીઓને લઈને કોઈ પણ વકિલ કેસ લડશે નહીં, તેવી બાર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
તમામ ઘટનાઓની જેમ આ ઘટના સંદર્ભે પણ રાજકીય લોકો ટ્વીટર અને અન્ય સોશિયલ એકાઉન્ટ મારફતે પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ એવા નફ્ફટ અને જાડી ચામડીના રાજકીય લોકો છે કે, જેઓ ઘટના બને નહિ તે માટે કોઈ પણ પ્રકારના પગલાં ભરવાનું યોગ્ય માનતા નથી અને ઘટના બન્યા બાદ તેમની હલકી સંવેદના દેખાડવા હવાતિયાં મારવા લાગે છે. જે જનતા આ રાજકીય લોકોને મત આપે છે તે જ રાજકીય લોકો ભ્રષ્ટાચાર થકી તેમની લાગવગથી ગેરકાયદે કામોને વેગ આપે છે અને બાદમાં લોકોના જીવ જાય ત્યારે તપાસના નામે નાટકો કરીને સમગ્ર ઘટનાઓ ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવે છે. ખેર ! નિર્દોષ લોકોના જીવો આમ ક્યાં સુધી લેવાતા રહેશે તે એક મોટો પ્રશ્ન છે. જેનો જવાબ કદાચ કોઈ આપી શકે તેમ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

હિટલરશાહીનું પુનરાવર્તન : વિશ્વમાં મોદી બીજા હિટલર સાબિત થશે, મોદીની લોકપ્રિયતા કરતા ડર વધી રહ્યો છે