Home World પ્રધાનમંત્રીનો યુરોપ પ્રવાસ : જર્મન ચાન્સેલરે ભારતને ગણાવ્યું સુપર “પાર્ટનર”, મોદીએ કહ્યું-...

પ્રધાનમંત્રીનો યુરોપ પ્રવાસ : જર્મન ચાન્સેલરે ભારતને ગણાવ્યું સુપર “પાર્ટનર”, મોદીએ કહ્યું- યુદ્ધથી કોઈ નહીં જીતે; જંગના કારણે ઓઈલ થયું મોંઘુ?!

Face Of Nation 02-05-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના યુરોપિયન દેશના પહેલા દિવસે સોમવારે જર્મનીમાં હતા. જ્યાં તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલઝને મળ્યા. જે બાદ બંને નેતા ડેલિગેશન લેવલની મીટિંગમાં સામેલ થયા. જેમાં ભારત-જર્મની વચ્ચે ગ્રીન એનર્જી પર મહત્વની સમજૂતી થઈ. જર્મનીની મુલાકાત દરમિયાન પણ લોકોને તે વાતની ઉત્કંઠા હતી કે યુક્રેન-રશિયા યુદ્ધને લઈને પ્રધાનમંત્રી મોદી શું બોલશે? મોડી સાંજે આ વાત પરથી પણ પડદો ઊઠી ગયો. પ્રધાનમંત્રી મોદીએ ડેલિગેશન લેવલની મીટિંગ ખતમ થયા બાદ પોતાની સ્પીચમાં યુક્રેન-રશિયા જંગનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- યુક્રેનના સંકટની શરૂઆત થઈ ત્યારે જ અમે તાત્કાલિક યુદ્ધવિરામનું આહ્વાન કર્યું અને તે વાત પર જોર આપ્યું કે વિવાદના ઉકેલ માટે વાતચીત જ એકમાત્ર ઉપાય છે. અમારું માનવું છે કે આ યુદ્ધમાં કોઈ વિજયી પાર્ટી નહીં હોય. તમામને નુકસાન થશે તેથી અમે શાંતિના પક્ષમાં છીએ. યુક્રેન સંઘર્ષના કારણે થયેલી ઉથલપાથલમાં ઓઈલની કિંમત આકાશને આંબી રહી છે, વિશ્વમાં ખાદ્ય સામગ્રી અને ફર્ટિલાઈઝરની ઉણપ જોવા મળી રહી છે. તેનાથી વિશ્વના દરેક પરિવાર પર ભારણ વધી રહ્યું છે. પરંતુ વિકાસશીલ અને ગરીબ દેશોમાં તેની અસર વધુ ગંભીર બની રહી છે.
વૈશ્વિક રિકવરીનો મહત્વપૂર્ણ સ્તંભ બનશે ભારત
પોસ્ટ કોવિડ કાળમાં ભારતમાં અન્ય મોટી અર્થવ્યવસ્થાની તુલનાએ સૌથી ઝડપથી ગ્રોથ જોવા મળી રહ્યો છે. અમને વિશ્વાસ છે કે ભારત વૈશ્વિક રિકવરીનો મહત્વપૂર્ણ સ્તંભ બનશે. હાલમાં જ અમે ઘણાં ઓછા સમયમાં UAE તથા ઓસ્ટ્રેલિયાનીી સાથે વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
જર્મનીના ચાન્સેલરને કહ્યું- ધન્યવાદ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- મારા અને મારા પ્રતિનિધિમંડળનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે હું ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝનો આભાર વ્યક્ત કરું છું. મને ખુશી છે કે આ વર્ષે આ મારી પહેલી વિદેશ યાત્રા જર્મનીથી થઈ રહી છે. લોકતાંત્રિક દેશ તરીકે ભારત અને જર્મની અનેક કોમ મૂલ્યોનું આદાનપ્રદાન કરે છે. આ મૂલ્યો અને હિતોના આધારે છેલ્લાં કેટલાંક વર્ષમાં અમારા દ્વિપક્ષીય સંબંધમાં ઉલ્લેખનિય પ્રગતિ થઈ છે. સિક્સ્થ રાઉન્ડ ઓફ બિનેનિયલ ઈન્ટર-ગર્વમેન્ટલ કન્સલ્ટેશન્સ (IGC)માં બને દેશની ભાગીદારીને નવી દિશા મળશે. અમારી છેલ્લી IGC 2019માં મળી હતી, ત્યારથી વિશ્વમાં મહત્વપૂર્ણ પરિવર્તન થયા છે. કોવિડ-19 મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વિનાશકારી પ્રભાવ નાખ્યો છે. હાલની જિયો પોલિટિકલ ઘટનાઓએ પણ દેખાડ્યું કે વિશ્વની શાંતિ અને સ્થિરતા કેટલી નાજુક સ્થિતિમાં છે અને તમામ દેશ કેટલા ઈન્ટરકનેક્ટેડ છે.
બંને દેશો વચ્ચે 10.5 અબજ ડોલરની ગ્રીન એનર્જી સમજૂતી
પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલરે ભારત-જર્મની વચ્ચે ગ્રીન એનર્જી અને સતત ઉર્જાને લઈને મહત્વના એગ્રીમેન્ટ સાઈન કર્યા. PM મોદીએ કહ્યું- ભારત અને જર્મની મળીને ગ્રીન હાઈડ્રોજન ટાસ્ક ફોર્સનું ગઠન કરશે. ભારત યુરોપિયન યુનિયન (EU)ની સાથે મુક્ત વેપાર સમજૂતી કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, બંને દેશ વચ્ચે સતત વિકાસને લઈને એગ્રીમેન્ટ થયા છે, જે અંતર્ગત ભારતને વર્ષ 2030 સુધી ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે 10.5 અબજ ડોલરની આર્થિક સહાયતા મળશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, PM મોદીએ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં રોકાણછી જર્મનીને ભાગીદારી કરવાનું આમંત્રમ પણ ચાન્સેલર સ્કોલ્ઝને આપ્યું છે.
જર્મન ચાન્સેલરે ભારતને ગણાવ્યું સુપર પાર્ટનર
આ દરમિયાન જર્મન ચાન્સેલરે પણ ભારતને એશિયામાં પોતાનું સુપર પાર્ટનર ગણાવ્યું. સાથે જ તેમને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને જર્મનીમાં જૂનમાં મળનારી G-7 બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. જર્મન ચાન્સેલર સ્કોલ્ઝે કહ્યું, ઈન્ડો-પેસિફિક ઘણું જ ડાયનેમિક રીઝન છે, પરંતુ તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ રીઝનમાં ભારત અમારું એક મહત્વનું પાર્ટનર છે. સ્કોલ્ઝે કહ્યું, દુનિયા ત્યારે જ વિકસિત થઈ શકે છે જ્યારે અમે તે સ્પષ્ટ કરી દઈએ કે દુનિયા કેટલાંક શક્તિશાળી દેશના ઈશારે નહીં પરંતુ ભવિષ્યના સંબંધો પર જ ચાલશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).