- ઉપસરપંચના મોત બાદ પરિવારજનોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ લેવાનો ઈન્કાર કર્યો
- અંગત અદાવતને લઈ મનજીભાઈએ સરકાર પાસે રક્ષણની માગ કરી હતી. પણ જેવું જ સરકાર દ્વારા સુરક્ષા પાછી ખેંચાઈ હતી તેવામાં તેમની ઘાતકી હત્યા કરી દેવામાં આવી
Face Of Nation:બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામે ઉપસરપંચની હત્યાને મામલે પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. જાળીલા ગામે જૂની અદાવતમાં મનજીભાઈ સોલંકીને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. દલિત ઉપસરપંચના મોત બાદ પરિવારજનોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ લેવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસે આ મામલે હત્યાના ત્રણ મુખ્ય આરોપીઓ ભગીરથ ખાચર, કિશોર ખાચર અને હરદીપ ખાચરની અટકાયત કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.
રાણપુર તાલુકાના જાળીલા ગામે ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામના જ શખ્સો સાથે અદાવત ચાલતી હતી. આ અંગત અદાવતને લઈ મનજીભાઈએ સરકાર પાસે રક્ષણની માગ કરી હતી. પણ જેવું જ સરકાર દ્વારા સુરક્ષા પાછી ખેંચાઈ હતી તેવામાં તેમની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી તેમ મનજીભાઈના પરિવારજનોએ જણાવ્યું હતું.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં મનજીભાઈ સોલંકી ઉપસરપંચ છે તેમજ તેમના ધર્મપત્ની ગીતાબેન સરપંચ છે. તેઓ પોતાના કામ અર્થે બાઈક પર જાળીલાથી બરવાળા તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી મારુતિ ઝેન કારમાં આવેલાં શખ્સોએ તેમને ટક્કર મારી પાડી દીધા હતા. કારમાં સવાર પાંચથી છ શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
મનજીભાઈના પત્ની 2010માં સરપંચ તરીકે જીત્યા હતાં ત્યારથી ગામના શખ્સો સાથે તેમનું વેર ચાલતું હતું. અને અવારનવાર મનજીભાઈ પર હુમલાની ઘટનાઓ પણ બનતી રહેતી હતી. આ મામલે મનજીભાઈએ સુરક્ષાની માગણી કરતાં સરકારે એસઆરપી જવાન આપવામાં આવ્યો હતો. પણ પાંચ દિવસ પહેલાં જ સરકારે એસઆરપી જવાનની સુરક્ષા પરત ખેંચી લીધી હતી. જે બાદ થયેલ જીવલેણ હુમલામાં મનજીભાઈનું મોત નિપજ્યું હતું. પરિવારજનો પોલીસ ઉપર પણ મોતનો આરોપ લગાવી રહ્યા છે.
ઉપસરપંચની હત્યા થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને આરોપીઓને ઝડપી પાડવા માટે કોમ્બિંગ હાથ ધર્યું હતું. ત્યારે પાળીયાદ સાયલા હાઇવે પર થી બે આરોપી ઝડપાયા હતા. અને એક આરોપી કોમ્બિગ દરમિયાન ઝડપાયો હતો. હાલ પોલીસ તમામ આરોપીઓની સઘન પુછપરછ કરી રહી છે.