Face Of Nation 27-02-2022 : આજે ગોધરા રમખાણોને 20 વર્ષ પુરા થયા છે. એ 20 વર્ષ જુના દિવસો યાદ કરતા આજે પણ રુવાડા ઉભા થઈ જાય છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી ટ્રેન હત્યાકાંડ બન્યો હતો અને જેના કારણે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જો એ સમયે સરકારે કડકાઈથી અને કાયદો ધ્યાને લઈને કામ કર્યું હોત તો કદાચ બૉમ્બ બ્લાસ્ટ જેવી ઘટના પણ ઘટી ન હોત. એ સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તત્કાલીન મુખ્યમંત્રી મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી. ઘણા લોકોનું માનવું છે કે, ગોધરાકાંડ એ એક સુનિયોજિત કાવતરું હતું. જેનો લાભ રાજકીય સ્તરે ઘણો મળ્યો છે. જાહેરમાં વાજપેયીએ કરેલી રાજધર્મની ટકોર અને વર્તન નરેન્દ્ર મોદીને સહેજ પણ ગમ્યું નહોતું.
27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કારસેવકોને ગોધરામાં ટ્રેનના ડબ્બામાં જ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ હત્યાકાંડનો સાક્ષી એવો સાબરમતી એક્સપ્રેસ એસ-6 રેલવે ડબ્બો આજે પણ ગોધરા સ્ટેશનના એક ખૂણામાં પડ્યો છે. આ એસ-6 કોચ હાલમાં સમગ્ર હત્યાકાંડની એક જીવતી નિશાની તરીકે ગોધરાના રેલવે સ્ટેશને મુકસાક્ષી બનીને હાજર છે. આજે પણ તેના પાસે પોલીસ બંદોબસ્ત અને પહેરો જોવા મળે છે. ગોધરાકાંડ થયા પછી જે ટ્રેક પર આગ લગાડવાની ઘટના બની હતી ત્યાંથી વર્ષો અગાઉ જે ડબ્બો ખસેડીને જયાં મુકવામાં આવ્યો હતો ત્યાંજ હાલમાં મોજુદ છે. જો કે આ તમામ તોફાનોમાં કેટલાક લોકોએ પોતાનો ભાઈ, બહેન, પત્ની, માતા કે પિતાને ગુમાવ્યા. આ ઘટના ઉપર ખેલવામાં આવેલા રાજકારણના આજે પણ પડઘા પડી રહ્યા છે.
વાજપેયી તે દિવસો દરમિયાન કેન્દ્રમાં ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા. જ્યારે ગુજરાતની સત્તા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં હતી. તે સમયે ગુજરાત સરકારે જે રીતે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો તેનાથી વાજપેયી ખુશ ન હતા. જોકે તે સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ખુરશી પાર્ટી અને આરએસએસ બંનેના સમર્થનથી બચી ગઈ હતી. મદન દાસ દેવીએ વાજપેયીના રાજધર્મનું પાલન કરવાની સલાહ પર કહ્યું હતું કે અટલ જી હંમેશા ઇચ્છતા હતા કે લોકો નિયમ ન તોડે, સાથે કાયદાનો ભંગ ન કરે. પણ ગુજરાતમાં પરિસ્થિતિઓ એવી હતી કે તેમની ભલામણોને લાગુ કરવી સંભવ ન હતી. આરએસએસમાં રહેતા મદન દાસ દેવીએ દશકો સુધી વાજપેયી અને અડવાણી સાથે મળીને કામ કર્યું હતું. જ્યારે વાજપેયી પ્રધાનમંત્રી હતા ત્યારે મદન દાસ દેવી આરએસએસના મહાસચિવ હતા.
ગુજરાતમાં થયેલા રમખાણો બાદ ભાજપની નેતાગીરી મોદીની કામગીરીથી નારાજ હતી અને તેમને સીએમ પદેથી હટાવવા સુધીની ચર્ચાઓ થઇ ગઈ હતી પરંતુ હિન્દુવાદને વરેલી આરએસએસના સમર્થનથી મોદીની ખુરશી બચી ગઈ હતી અને તેનું પરિણામ આજે દેશની સામે છે. મોદીએ ત્યારબાદ જે રાજકીય કામગીરી આરંભી જેને પગલે તેઓ આજે વડાપ્રધાન બન્યા છે અને એ હિન્દુવાદ આજે સમગ્ર દેશમાં લાગુ કરાઈ રહ્યો હોવાના પણ ચિત્રો સામે આવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Exclusive : ભારતે યુક્રેનની મદદ ન કરતા ભારતીયોને પોલેન્ડ બોર્ડર ઉપર અટકાવ્યા, જુઓ Video