Home Uncategorized જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી...

જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી સ્ટ્રેટેજી ?

ફેસ ઓફ નેશન, 24-04-2020 : કોરોનાના કેસોથી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. ભારતે સમગ્ર દેશને લોકડાઉન કરી દીધો છે. તેવામાં ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધતા જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચનાથી દિવસમાં બે વાર કોરોનાના કુલ કેસોનો આંકડો અને માહિતી પુરી પાડવામાં આવી રહી હતી. જે અચાનક જ બંધ કરીને એક જ સમયે એટલે કે સાંજે 24 કલાકની વિગતો જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ પીસીઆર ટેસ્ટ કરવાની સંખ્યામાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આ સ્ટ્રેટેજીથી એક પ્રશ્ન ચોક્કસ ઉભો થાય કે, શું સરકારને કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ છે ?
કોરોનાની મહામારી સમયે સરકારની અસરકારક કામગીરી અત્યંત જરૂરી છે. ગુજરાત વધતા જતા કોરોનાના કેસો મામલે મહારાષ્ટ્ર સિવાયના તમામ રાજ્યોને પાછળ ધકેલીને આજે દેશમાં બીજા નંબરે પહોંચી ગયું છે. પરંતુ આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીના મતે, આ આંકડો મહત્વનો છે જ નહીં !
થોડા સમય અગાઉ “હજુ તો જેમ ટેસ્ટ વધશે તેમ કોરોના પોઝિટિવના કેસ પણ વધશે, લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી,” અને ”અમે એગ્રેસિવ ટેસ્ટિંગની રણનીતિ અપનાવી શક્ય એટલી ઝડપે વધુને વધુ પોઝિટિવ કેસ શોધી કાઢી કોરોનાનું સંક્રમણ રોકવાની રણનીતિ અપનાવી છે, એટલે આવા કેસની સંખ્યામાં તો વધારો સ્વાભાવિક જ થવાનો,” જેવી સુફિયાણી સલાહ આપતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે અચાનક જ રાજ્યમાં ટેસ્ટીંગનું પ્રમાણ ઘટાડી દેવાનો અને ક્લસ્ટર ક્વોરન્ટાઈનમાં રાખેલા વિસ્તારોની સંખ્યા ઘટાડી દેવાનો નિર્ણય કરતાં આશ્ચર્ય ફેલાયું છે.
જે રીતે દેશભરમાં કોરોનાના મામલે ગુજરાત અત્યંત ગંભીર સ્થિતિમાં મુકાયું હોવાનું ચર્ચામાં આવતાં જ નહી ગભરાવાની નીતિને તિલાંજલી આપી ‘ઓછા ટેસ્ટ, ઓછા કેસ’ની ફિલસૂફી અપનાવી લીધી લાગે છે.આના બચાવમાં ડો.રવિ ગુજરાત પરીક્ષણની જેટલી કેપેસિટી હોય તેટલા ટેસ્ટ કરવાનો નિર્ણય CM લેવલે હાઈપાવર કમિટીમાં થયાનું કહીને એન્ટિ બોડી રેપિડ ટેસ્ટની કિટથી પણ કોરોના વાઈરસના ચેપગ્રસ્તો શોધવાના હોવાથી RTPCRમાં ઘટાડાનો લૂલો બચાવ કરે છે.
રાજ્યમાં લોકડાઉનના ૩૧ દિવસો પછી પણ લગભગ રોજ નવા જિલ્લામાં રોગ પ્રસરી રહ્યો છે. હવે માત્ર ચાર જ જિલ્લા એવા છે જ્યાં ચેપ નથી. ગાંધીનગર એવો જિલ્લો બન્યો જ્યાં સાત દિવસ સુધી સંક્રમણ રોકાઈ ગયું અને અચાનક ફરી ગુરૂવારે પોઝિટિવ કેસે દેખા દીધી છે. આ સંજોગોમાં ટેસ્ટીંગ ઘટાડવાની વ્યૂહરચના પાછળનો તર્ક કયો તે સમજાતું નથી. અગાઉ ડો.રવિએ રાજ્યમાં દૈનિક ૫૦૦૦ ટેસ્ટ કરીને કોરોના વાઈરસને શોધીને ડામી દેવાનો ટાર્ગેટ જાહેર કર્યો હતો. હવે જ્યારે ગુજરાતમાં ૨૮-૨૯ જિલ્લાઓમાં ચેપ પ્રસરી ચૂક્યો છે ત્યારે ૪૨૧૨એ પહોંચ્યા બાદ અચાનક જ ટેસ્ટનું પ્રમાણ ૨,૫૧૨એ આવી ગયું છે.
સરકારની બદલતી જતી આ સ્ટ્રેટેજી શું એવું સાબિત કરવા માંગે છે કે, જયારે લોકડાઉન ખુલવાનો સમય આવે ત્યારે કાગળ ઉપર એવું બતાવી શકાય કે, ગુજરાતમાં હવે કોરોના ઉપર કાબુ મેળવાઈ રહ્યો છે. જેથી લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવે તો કોઈ અસર થશે નહીં ? (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત

જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ