Face of Nation 19-12-2021: રાજ્યમાં આજે 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સરપંચ માટે 27 હજાર 200 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખથી વધુ મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 93 લાખ 61 હજાર 601 પુરૂષ મતદારો છે તો 88 લાખ 35 હજાર 244 મહિલા મતદારો છે. 23 હજાર 112 મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા કરાઈ છે.
બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન યોજાઈ રહ્યુ છે, જેમાં 2 હજાર 541 ચૂંટણી અધિકારીઓ મતદાનની કામગીરીમાં જોડાયા છે અને 1 લાખ 37 હજાર 302 પોલિંગ સ્ટાફ મતદાન મથકો પર ઉપસ્થિત છે. આ ચૂંટણીમાં 6,656 મતદાન મથકો સંવેદનશીલ અને 3,074 અતિસંવેદનશીલ મતદાન મથકો છે. પ્રિ સાઈડીંગ ઓફિસર સહિતનો પોલિંગ સ્ટાફ મતદાન કેન્દ્ર પર હાજર છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે 51 હજાર 745 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત રહ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સંપૂર્ણ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મતદાન યોજવામાં આવી રહ્યું છે.
ચૂંટણીના પળેપળના અપડેટ
મોરબી તાલુકાના પંચાસર ગામે 891 મતદારો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો. શિવનગર ગામે રહેતા 891 જેટલા મતદારો મતદાનથી અળગા રહ્યા. ગામના આંતરિક વિવાદમાં ન પડવા માટે મતદારોએ મતદાન ન કરવાનો નિર્ણય કર્યો.
દ્વારકા વરવાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રૂપેણ બંદર ખાતે મતદારોની મોટી લાઈન જોવા મળી હતી. જ્યારે અન્ય જગ્યાએ મતદાન કેન્દ્ર સુમસામ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રૂપેણ બંદર ખાતે મુસ્લિમ સમાજની મોટી વસ્તી આવેલી છે. અને વરવાળા ગામની કોઇ પણ ચૂંટણીની હારજીતમાં રૂપેણ બંદર મોટો ભાગ ભજવે છે. સવારના ભાગમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી લોકો મતદાન મથક પહોંચવા સુશુપ્ત અવસ્થામાં લાગી રહ્યા છે.
ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને લોધિકા તાલુકાના મેટોડા ગામે ધીમું મતદાન જોવા મળ્યું. આજે 1200 મતદારો પેપર પર બોલે છે, પણ 10 વાગ્યા સુધીમાં અંદાજીત 20 ટકા જ મતદાન થયું. સરપંચ પદ માટે સંગીતાબેન સભાયા અને મિનાબેન વેકરિયા વચ્ચે ચૂંટણી જંગ છે.
આણંદ જિલ્લામાં 183 ગ્રામ પંચાયતોની ચુંટણીને લઈને આજે સવારથી 849 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે જો કે કાતિલ ઠંડીને લઈને સવારના સુમારે મતદાન મથકો પર મતદારોની સંખ્યા પાંખી દેખાઈ રહી છે જિલ્લામાં 180 સરપંચની બેઠકો પર 716 ઉમેદવારનું ભાવિ 7.48 લાખ મતદારો દ્વારા આજે નક્કી કરવામાં આવશે. . જયારે 1053 વોર્ડની બેઠકો પર 2500 ઉમેદવારોનું ભાવિ 5.38 લાખ મતદારોનક્કી કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)