Face Of Nation:અમદાવાદ થલતેજ ગ્રામ પંચાયતમાં આધારકાર્ડનું કામ કરતા યુવકે બોડકદેવ વિસ્તારમાં રહેતા 60 લોકોને ઔડાના મકાન અપાવવાના બહાને 30 લાખ રૂપિયા પડાવી લીધા છે. 8 મહિનાથી પૈસા લઈ અને મકાન કે પૈસા પરત ન આપતા સોલા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધવાઈ છે.
બોડકદેવના સિંધુભવન રોડ પર નર્મદા આવાસ યોજનામાં અને રીક્ષા ડ્રાઇવર ભરત પાંડોરની થલતેજ ગ્રામ પંચાયતમાં આધારકાર્ડ કાઢી આપવાનું કામ કરતા મુકેશ ઠાકોર (રહે. મોટો ઠાકોરવાસ, થલતેજ)સાથે ડિસેમ્બર 2018માં મુલાકાત થઈ હતી. મુકેશે ઔડામાં મકાન અપવવાવનું કહ્યું હતું. જેના માટે ફોર્મના 10 હજાર રોકડા માંગ્યા હતા જે ભરતે આપ્યા હતા. પૈસા આપ્યાં બાદ ડોક્યુમેન્ટ લઈ કોર્ટમાં એફિડેવિટ કરવા ગયા હતા. ત્યારબાદ બાકીના 40 હજાર એમ કુલ 50 હજાર લીધા હતા અને 15 જાન્યુઆરી સુધીમાં મકાન મળી જશે તેમ કહ્યું હતું.15 દિવસમાં 50 હજારમાં મકાન મળી જવાની લાલચમાં આવેલા ભરતે અન્ય સંબંધી અને લોકોને વાત કરતા તેઓ પણ લાલચમાં આવી ગયા હતા. 60 જેટલા લોકોએ થલતેજ ગ્રામ પંચાયતમાં જઈ મૂકેશને 50 હજાર રૂપિયા આપ્યા હતા. કુલ 30 લાખ રૂપિયા લીધા બાદ મુકેશે મકાન આપવા બાબતે ગલ્લા તલ્લા કર્યા હતાં. પૈસા પાછા માંગતા તેણે ચેક આપ્યા હતા પરંતુ તમામ ચેક બાઉન્સ થયા હતા. સોલા પોલીસે મુકેશ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે