Home Politics વિધાનસભામાંથી કોંગ્રેસે કર્યું વોકઆઉટ, જાણો શું છે કારણ?

વિધાનસભામાંથી કોંગ્રેસે કર્યું વોકઆઉટ, જાણો શું છે કારણ?

Face Of Nation, 27-09-2021:  ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસનું ચોમાસું સત્ર શરૂ થયું છે. વિધાનસભામાં ચોમાસું સત્રના પહેલા જ દિવસે 1 કલાક સુધી પ્રશ્નોત્તરી થઈ હતી. જેમાં વિરોધ પક્ષ દ્વારા સરકારને સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં વિરોધ પક્ષ દ્વારા નવી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતા તેલના ભાવમાં વધારાથી લઈને તાઉતૈ વાવાઝોડામાં સહાય સુધીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
વિધાનસભામાં છેલ્લા 1 વર્ષમાં સીંગતેલ, કપાસિયા તેલ તથા પામોલિન તેલમાં ભાવ વધારા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં સરકારે સીંગતેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 18 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 32 રૂપિયા અને પામોલિન તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 19 રૂપિયાનો વધારો થયો હોવાનું જણાવ્યું હતું. આ માટે કાચા માલની અછત, મજૂરોની સમસ્યા, પરિવહન મુશ્કેલીઓના કારણે તેલના ભાવ વધ્યાનો સરકારે સ્વીકાર કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્યએ લેખિતમાં સૌની યોજના મુદ્દે સવાલ કર્યો હતો. જેમાં સરકારે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં સૌની યોજના હેઠળ 13 ડેમનો સમાવેશ કરેલો છે. છેલ્લા 1 વર્ષમાં 1 પણ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી અપાયું નથી. સૌની યોજનાની પાઈપલાઈન તથા પંપિંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી ભરવામાં આવશે તેમા સરકારે જવાબ આપ્યો હતો.

રાજ્યમાં તાઉતૈ વાવાઝોડાથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઈ હતી. વિધાનસભામાં વિપક્ષના સવાલનો જવાબ આપતા તાઉતૈ વાવાઝોડામાં સહાય ચૂકવવામાં વિસંગતતા હોવાનું સામે આવ્યું હતં. જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં 7 કિસ્સામાં આ પ્રકારની વિસંગતતા મળી હતી. સરકારે રેકોર્ડ આધારિત ચકાસણી કરીને ઠરાવ મુજબ રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે.

વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું, ભારત સરકારની નોડલ એજન્સી નાફેડ દ્વારા છેલ્લા બે વર્ષેમાં 703137 મેટ્રિક ટન મગફળી ખરીદવામાં આવી છે. વર્ષ 2020-21માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 275 રૂપિયા અને વર્ષે 2021-22 માં 5 હજાર 550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવી.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પ્રશ્નનો ગૃહ વિભાગ દ્વારા લેખિતમાં જવાબ અપાયો કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષેમાં 1620 તડીપાર કરવાનો હુકમો કરાયા. જેમાં અમદાવાદ શહેરમાં 350 લોકો હતા, જ્યારે પાસાના 5402 હુકમો કરવામાં આવ્યા જેમાં અમદાવાદ શહેરમાં 2477 કેસ નોંધાયા. જેની સામે નામદાર હાઇકોર્ટ દ્વારા 37 તડીપાર અને 3447 પાસાના કેસ રદ કરવાનો હુકમો કરાયો છે.

ભૂતકાળમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં ગોલમાલ સામે આવ્યું હતું જેમાં કોઈ સુધારો કરવા માંગો છો કે નહીં તેવો સવાલ કોંગ્રેસના અમિત ચાવડાએ કર્યો હતો. જેના જવાબમાં મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, 4 હજાર કરોડનો ગોટાળો થયો હોવાના આક્ષેપ ખોટા છે, છેલ્લા 2 વર્ષમાં કોઈ ફરિયાદ થઈ નથી ને ભૂતકાળમાં કંઈ બન્યું હોય તો હું જાણતો નથી, આ પ્રશ્ન માત્ર 2 વર્ષ નો જ છે.

​​​​​​​ભૂગર્ભ જળમાં નાઈટ્રેટ કન્ટેઇનમેન્ટનું પ્રમાણ માત્રા કરતા વધુ હોય તો નાના બાળકોને મિથેઇમોગ્લોબીનેમિયા (બ્લુ બેબી) રોગ થવાનો ભય હોય છે. રાજ્યના 31 જિલ્લાઓના ભૂગર્ભ જળમાં નાઈટ્રેટ કન્ટેઇનમેન્ટનું પ્રમાણ જરૂરી માત્રા કરતા વધુ હોવાનું સામે આવ્યું હતું. જે વિશે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે, રાજ્યના પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતા પીવાના પાણીમાં કોઈ જિલ્લાના ગામના પાણીમાં નાઈટ્રેટ જોવા મળેલ નથી.

કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારે લેખિત જવાબમાં જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં ગેરકાયદે બાયોડિઝલ વેચાણ, સંગ્રહના 20 ગુના નોંધાયા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 20 ગુના નોંધાયા છે. આ ગુનાઓમાં 72.84 લાખની કિંમતનો 1.16 લાખ લીટર જથ્થો પકડાયો. અત્યાર સુધીમાં 58 આરોપીઓ પકડાયા છે.

વધુ એક સવાલના જવાબમાં સરકારે ગૃહમાં જણાવ્યું કે, ગુજરાત રાજયની સીમાઓ પરથી કુલ 2019-20માં કુલ 1,92,061 વિદેશી દારૂની બોટલ અને 18,769 બિયરની બોટલો ઝડપાઇ છે. જ્યારે 2020-21માં 1,98,523 જેટલી વિદેશી દારૂની બોટલ અને 17,720 બિયરની બોટલ ઝડપાઇ છે. ​​​​​​​જયારે 2019-20માં કુલ 462 અને 2020-21માં કુલ 513 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

​​​​​​​કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, ​31 ઓગસ્ટની સ્થિતિએ અમદાવાદમાં રૂ.1.30 કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું હતું. ડ્રગ્સની સાથે 19 ઈસમોની ધરપકડ કરાઈ છે, જ્યારે 4 ઈસમો હજુ પણ ફરાર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)