Home Crime નકલી માતા બની પી.એસ.આઈ એ કર્યો બાળક લે-વેચ રેકેટનો પર્દાફાશ..

નકલી માતા બની પી.એસ.આઈ એ કર્યો બાળક લે-વેચ રેકેટનો પર્દાફાશ..

Face Of Nation, 20-08-2021 : આધુનિક સમયમાં હવે ગુનાઓના રૂપ બદલાયા છે. નડિયાદમાં કાળજું કંપાવી જાય તેવા ગુનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં માવતરે મોટી રકમની લાલચમાં પોતાના કુખે જન્મેલા બાળકનું જ વેચાણ કરી દેતાં ચકચાર જાગી છે. તો આવા બાળકોને લાખો રૂપિયામાં વેચાણ કરતાં રેકેટનો નડિયાદ એસઓજી પોલીસે )પર્દાફાશ કર્યો છે. મહિલા પીએસઆઇએ પોલીસે ડમી માવતર તરીકે ઓળખ આપી સમગ્ર પ્રકરણને ખુલ્લો પાડ્યો છે. આ રેકેટમાં સામેલ નડિયાદની ત્રણ મહિલાઓની રંગે હાથે ઝડપી લીધી છે. જ્યારે આ ઘટનામાં સામેલ પરપ્રાંતિય માવતરની પણ પોલીસે અટકાયત કરી આમ કુલ ચાર મહિલાઓ સામે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

નડિયાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસે ગતરોજ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના સંતરામ શાકમાર્કેટ નજીક મૂળ બહારની અને હાલ નડિયાદ સ્થાઈ થયેલી માયાબેન લાલજીભાઈ દાબલા (રહે. 104, કર્મવીર સોસાયટી, પીજ રોડ, નડિયાદ) ત્યાં આવવાના છે. આ મહિલા પરપ્રાંતિય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવી તેણીને મોટી રકમની લાલચ આપી ડિલિવરી કરાવે છે. જે બાદ તેના બાળકને ઉંચી કિંમતમાં એજન્ટો મારફતે વેચાણ કરતી હોવાની માહિતી મળી હતી.

જેથી પોલીસે ટાઉન પોલીસને જાણ કરતાં અહીંયા ફરજ બજાવતા મહિલા પી.એસ.આઈ. આર.ડી.ચૌધરી તથા અન્ય બે વુમન કોન્સ્ટેબલની આ કેસમાં મદદ મેળવાઈ હતી. મહિલા પીએસઆઇ ડમી માતા બની આ મહિલાને મળવા ગઈ હતી. આ દરમિયાન અહીંયા માયાબેનની સાથે અન્ય મોનિકાબેન મહેશ શાહ (રહે.કિશન સમોસાનો ખાંચો, વાણીયાવડ, નડિયાદ) અને પુષ્પાબેન સંદિપ પટેલીયા (રહે. રામાદૂધાની ચાલી, મીલ રોડ, નડિયાદ) પણ હાજર હતી. આ પછી ડમી માતા બની ગયેલી મહિલા પીએસઆઇએ તેને એક બાળક જોઈએ છે તેવી વાત કરતાં આ ત્રણેય મહિલાઓએ ઘુસપુસ કરી થોડી વાર ઉભા રહો અમે બાળક આપીએ છીએ અને તેનો ભાવ 6 લાખ રૂપિયા નક્કી કરાયો હતો.

જે પછી આ ત્રણ પૈકી એક મહિલા બાળક લઈને આવી હતી. જેથી પોલીસે રંગેહાથે કોડન કરી આ ત્રણેય મહિલાઓની ધરપકડ કરી હતી. જે પછી પૂછપરછમાં આ બાળક નાગપુર ખાતે રહેતી મહિલા જે હાલ નડિયાદ કિડની હોસ્પિટલ સામે આવેલ કંમ્ફ્રટ હોટેલમાં રોકાઈ છે. તેનું હોવાનું જણાવ્યું છે. આથી પોલીસે આ ત્રણેય મહિલાઓને સાથે રાખી ઉપરોક્ત હોટેલમાં જઈ રૂમ નં. 203માંથી આ મહિલાની અટકાયત કરી છે. જેમાં તેણે પોતાનું નામ રાધિકાબેન રાહુલ ગેડામ (રહે. નાગપુર) હોવાનું કબુલ્યું છે.

વધુમાં રાધિકાએ જણાવ્યું હતું કે મારે પૈસાની ઘણી જરૂર હોવાથી અમારા વચ્ચે સંપર્ક થતાં અમે રૂપિયા દોઢ લાખમાં બાળકનો સોદો કર્યો હતો. જ્યારે બીજી બાજુ ઉપરોક્ત ત્રણેય મહિલાઓની પૂછપરછમાં પરપ્રાંતિય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવી તેણીને મોટી રકમની લાલચ આપી ડિલિવરી કરાયા બાદ તેના બાળકને ઉંચી કિંમતમાં વેચાણ કરાતું હોવાની કેફિયત કબૂલી છે. પોલીસે ઉપરોક્ત ત્રણેય મહિલાઓ સાથે પરપ્રાંતિય માવતરની અટકાયત કરી આઈપીસી 370, 144, 120B, 511 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જોકે પોલીસ આ કેસમાં ઊંડી ઉતરી તપાસ આદરે તો હજુ પણ કેટલાક લોકોના નામ ખુલે એમ છે. પોલીસ આ તમામ આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવી અટકાયત કરવામાં આવશે તેમ જણાવ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)