Face Of Nation 01-04-2022 : છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોથી પ્રજા પરેશાન થઇ ગઇ છે. બીજી તરફ આ જ પેટ્રોલ-ડીઝલના વેટથી ગુજરાત સરકારની કમાણી વધી રહી છે. વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલ કરાતા વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માં 46 %નો વધારો થયો છે. આ આંકડા ગુજરાત વિધાનસભામાં થયેલી પ્રશ્નોત્તરીના જવાબમાં ખુદ રાજ્ય સરકારે આપેલા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર સરકારનો પેટ્રોલ પર વસૂલવામાં આવેલો વેટ રૂપિયા 3,919.76 કરોડથી વધીને 5,865.43 કરોડ થયો. જ્યારે ડીઝલ પર વસૂલવામાં આવેલો વેટ રૂપિયા 8,753.58 કરોડથી વધીને 12,551.38 કરોડ થયો છે.
પેટ્રોલ-ડીઝલના વપરાશમાં 20%નો વધારો
ગુજરાત વિધાનસભામાં તળાજાના ધારાસભ્ય કનુ બારૈયાએ પૂછેલા એક સવાલના જવાબમાં આ આંકડા સામે આવ્યા છે. વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવથી સરકારની આવકમાં વધારો થઇ રહ્યો છે. જો કે બીજી તરફ એક અન્ય પાસુ પણ જોવા મળી રહ્યુ છે. એક પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડીલરના જણાવ્યા અનુસાર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઓછામાં ઓછો 20%નો વધારો થયો છે. જેના કારણે પણ સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની વેટની વસુલાત વધી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડીલરનના જણાવ્યા અનુસાર કોરોના મહામારીની બીજી લહેર બાદ માર્કેટ ખુલી જતાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં પણ વધારો થયો. જેમ-જેમ ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજી આવી તેમ-તેમ વર્ષ 2021ના બીજા છ મહિનામાં ડીઝલની ડિમાન્ડમાં વધારો થયો હતો. જે અંદાજે 20 ટકા જેટલો વધારો હતો.
કોરોના મહામારી બાદ વપરાશ વધ્યો
ગત વર્ષે એટલે કે એપ્રિલ 2021માં 15મી એપ્રિલથી ત્રીજી નવેમ્બર દરમિયાન પેટ્રોલની કિંમતમાં ઓછામાં ઓછો 20%નો વધારો થયો હતો. જેમાં 1 લીટર પેટ્રોલની કિંમત રૂપિયા 87.57થી વધીને 106.65 રૂપિયા પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ડીઝલની 1 લીટરની કિંમત રૂપિયા 86.96થી વધીને 106.1 પર પહોંચી ગઈ હતી. તો તાજેતરમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).