Face Of Nation, 10-08-2021 : રેમડેસિવીર ઇન્જેક્શનના ખરીદ-વેચાણ અને વિતરણની ફરિયાદોમાં PASAની કલમ લગાવી આરોપીની અટકાયત કરવાના સરકારના વલણની હાઇકોર્ટે આકરી ટીકા કરી હતી અને એવી ટકોર કરી હતી કે,‘રાજ્ય સરકારે આવા મામલા માટે યુનિફોર્મ પોલિસી બનાવીને નિર્ણય લેવા જોઇએ. એક જગ્યાએ પોલીસ PASA લગાવવાનું કહે છે અને બીજી જગ્યાએ પોલીસ PASA હટાવવાનું કહે છે. દરેકની માટે અલગ-અલગ નિર્ણયો કઇ રીતે હોઇ શકે. હજુ શુક્રવારે જ રેમડેસિવીરના મુદ્દે વડોદરાના તબીબના કેસમાં સરકારે કહ્યું PASA નથી કરવાના તો મેં એક કેસ બંધ કર્યો. હવે એવા જ મુદ્દે વડોદરા અને અમદાવાદની બે ફરિયાદોના આધારે સરકાર PASA લગાવવાનો નિર્ણય કરે છે.’ હાઇકોર્ટે હવે આવું વલણ નહીં ચાલે અને કોઇ ચોક્કસ એકસરખી સ્પષ્ટતા હોય તે જરૂરી હોવાની ટકોર કરી રાજ્યના ગૃહ વિભાગને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.
સોમવારે રેમડેસિવીર ઇન્જેક્શનના મામલે બે આરોપી વિરુદ્ધ PASA કરવાનું નક્કી કર્યું હોવાનું સૂચન રાજ્ય સરકાર વતી હાઇકોર્ટને અપાયું હતું. હાઇકોર્ટ સમક્ષ એવી હકીકત સામે આવી કે આ મામલો ૫૫૦ બનાવટી રેમડેસિવીરનો છે. જેમાં આરોપીએ ઓછાં ભાવે મેળવીને કોરોનાના દર્દીઓના સગાને ઊંચા ભાવે વેચી ગુનો આચર્યો હતો. આ હકીકત બાદ જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સરકારને પ્રશ્ન કર્યો હતો કે,‘શું આરોપી રેમડેસિવીરનો ગૃહઉદ્યોગ ચલાવતો હતો? બનાવટી રેમડેસિવીરનો ગુનો તેણે કર્યો એ કબૂલ છે અને તેની સજા પણ થવી જોઇએ પરંતુ પોલીસ તંત્રે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આટલા બનાવટી ઇન્જેક્શન આરોપી લાવ્યો ક્યાંથી? પોલીસે એ બાબતની તો તપાસ જ કરી નથી. ઊલ્ટાનું એપ્રિલ-૨૦૨૧માં કોરોના પીક પર હતું ત્યારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી એ પણ પોલીસ જ ફરિયાદી બની. એ પણ વૉચ ગોઠવીને આરોપીને પકડ્યો. આ તો રોજ સાંજ પડે માસ્ક માટે ૫૦૦ જણને દંડ કરવાનો ઉપરી અધિકારીનો આદેશ હોય ને તેવો ઘાટ સર્જાયો.’
જસ્ટિસ ઉપાધ્યાયે એવી ટકોર પણ કરી હતી કે,‘આરોપીએ કોઇને રૂપિયા ચુકવવાના હતા અને તેની જોડે રૂપિયા નહોતા તેના બદલામાં તેણે ઇન્જેક્શનો આપ્યા. એ ઇન્જેક્શન લેવા માટે જે તે વ્યક્તિને હયાત હોટલમાં બોલાવ્યો અને ઇન્જેક્શન આપી દીધા. એટલે કે રોકડા રૂપિયા આપવાની સામે રેમડેસિવીર આપ્યા. આ એ સમય હતો જ્યારે ઇન્જેક્શન મેળવવા અફડાતફડી ચાલી રહી હતી. પ્રજામાં રોષ હતો. ત્યારે એ રોષને ઠારવા કંઇ તો કરવું પડે. એટલે આવું બધુ કર્યું.’
કોર્ટે એવું પણ કહ્યું હતું કે,‘વડોદરાના તબીબના કેસમાં શુક્રવારે જ PASA નથી કરવાના એવું સરકારે કહ્યું અને મેં ઇમાનદારીથી કેસ બંધ કર્યો કે પ્રજાને આવા મામલે મુશ્કેલી ન પડે એની કાળજી આપણે લેવાની છે. પરંતુ ત્યાર પછી એક પીઆઇએ તેનું ધૂળધાણી કરી કાઢ્યું. અગાઉના કેસમાં કમિશનર ના પાડતા હોય કે PASA નથી કરવાની તો હવે આ કેસમાં એક પીઆઇ કેમ PASA કરવા તૈયાર છે? એ પણ વડોદરાનો કેસ હતો અને આ પણ વડોદરાનો છે તો શું ત્યાંના કમિશનર અલગ-અલગ છે? કે પછી એવું નક્કી કર્યું છે કે એક પો.સ્ટેશનમાં નથી કરવું બીજામાં કરવું છે. ભરૂચ, વડોદરા, અમદાવાદ માટે અલગ અલગ પાસાના નિયમો કઇ રીતે ચાલી શકે.’હાઇકોર્ટે નવમી સપ્ટેમ્બરે કેસની વધુ સુનાવણી મુકરર કરી આરોપી વિરુદ્ધના અટકાયતી આદેશ પર સ્ટે આપ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)