Face Of Nation 13-11-2022 : પાટીદાર આંદોલન મારફતે પાટીદારોને ભડકાવનાર અને બેફામ ભાષણબાજી કરીને લોકોને ઉશકેરનાર હાર્દિક પટેલને ભાજપે ટિકિટ આપીને વિરમગામ વિધાનસભાની ચૂંટણી લડવા મેદાને ઉતારી દીધો છે. હાર્દિકના નામની જાહેરાત થયા બાદ હાઇકોર્ટે પણ તેને મહેસાણામાં પ્રવેશવા શરતી મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી જે વ્યક્તિ ઉપર આરોપ લાગતા હતા, જે વ્યક્તિને સજા આપી દેવામાં આવી છે તે વ્યક્તિને અચાનક ચૂંટણીમાં નામ જાહેર થતા મહેસાણામાં પ્રવેશવા માટે છૂટ આપી દેવામાં આવે તે હાઇકોર્ટની કામગીરી અંગે અનેક સવાલો ઉભા કરે તેમ છે. હાઇકોર્ટ એ રાજ્યની ઉચ્ચ ન્યાયાલય છે તેની કામગીરી વિરુદ્ધ શંકા કે સવાલો ક્યારેય ન હોય. જો કે તાજેતરમાં થયેલા હુકમને લઈને કેટલાક સવાલો ઉભા થાય તે સ્વાભાવિક છે. જો આમ જ થતું રહેશે તો હાઇકોર્ટ ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે અને હાઇકોર્ટને પણ રાજકારણ સાથે જોડી દેવામાં આવશે. મીડિયાનું કામ છે સવાલ ઉઠાવવાનું, જે આજે ફેસ ઓફ નેશન આ અહેવાલ મારફતે ઉઠાવી રહ્યું છે. રાજ્યની સર્વોત્તમ અદાલત એટલે હાઇકોર્ટ અને તેની સામે કોઈ પણ સવાલ ન કરી શકે તેવું ન હોય. ક્યારેક હાઇકોર્ટ દ્વારા થતી કેટલીક કામગીરી અંગે પ્રશ્ન ઉભો થાય ત્યારે તે બાબત ધ્યાને લાવવી પણ અત્યંત જરૂરી બની જાય છે.
વિસનગર તોડફોડના કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઇકોર્ટે આશિંક રાહત આપી છે. હાર્દિક પટેલને એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ પર છુટ રહેશે. સુનાવણી દરમિયાન કોર્ટે હળવી ટકોર કરી હતી કે, હવે આ કેસમાં થયેલી સજા રદ થઇ જાય તો પણ સરકારને વાંધો નહી હોય ! હાઇકોર્ટની આ ટકોર ઘણી સૂચક છે. કાયદો એ સરકારથી ઉપર નથી. કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય અને સરકારી વકીલને વાંધો ના હોય તો કોર્ટે કાયદાની પરિભાષા જોવી એ અગ્રીમતા છે. ગઈકાલ સુધી જે હાર્દિક પટેલ ઉપર રહેમ નજર રાખવામાં આવતી નહોતી તે હાર્દિક પટેલને અચાનક ભાજપમાં પ્રવેશતાની સાથે જ છૂટછાટ આપવામાં આવી રહી છે તે કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. હાઇકોર્ટનું આ પ્રકારનું વલણ વ્યાજબી નથી. જો આમ જ ચાલ્યું તો સમાજ અને લોકોમાં ખોટો મેસેજ જશે અને હાઇકોર્ટ સરકાર ચલાવી રહી હોવાના આરોપો થશે. સરકારી વકીલને વાંધા કે સૂચનો હોય કે ન હોય કોર્ટે હંમેશા કાયદાની પરિભાષામાં નિર્ણય લેવો જોઈએ નહિ કે સરકારી વકીલની રજુઆતને સાંભળીને. હાર્દિક મામલે હાઇકોર્ટે આપેલો ચુકાદો ઘણા સવાલો ઉભા કરે છે. આ ચુકાદાથી લોકોમાં એવા પણ મેસેજ જઈ રહ્યા છે કે, સરકારી વકીલ જો વાંધો નહિ ઉઠાવે તો આવતીકાલે કોર્ટ મર્ડરના આરોપીને પણ નિર્દોષ સાબિત કરી દેશે. ગુનો બન્યો છે અને વ્યક્તિ ગુનેગાર છે તેવા કિસ્સામાં કાયદો જ સર્વોપરી હોવો જોઈએ.
હાર્દિકના કેસમાં તેને સજા પણ પડી ચુકી છે સાથે જ તે વાત પણ સ્પષ્ટ છે કે તેના ભડકાઉ ભાષણના કારણે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, પોલીસ અને પ્રજા સામસામે આવી ગઈ હતી અને કેટલાય પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. હાઇકોર્ટે આ સમયે સરકારની જૂની રજૂઆતો ધ્યાને લેવી જોઈએ અને સરકાર દ્વારા કરવામાં આવેલી અગાઉની અને અત્યારની રજૂઆતો અંગે પણ સવાલ ઉઠાવવા જોઈએ. આવા કેસોમાં હાઇકોર્ટે સરકારી વકીલની કામગીરી સામે પણ સવાલ કરવા વધુ યોગ્ય હોય છે કેમ કે, સરકારી વકીલ સરકારનો પક્ષ રાખે તે યોગ્ય છે સાથે કોઈ વ્યક્તિ સરકારમાં હોય કે ન હોય તે બંનેમાં સમાનતા ન રાખે તે પણ યોગ્ય નથી. હાઇકોર્ટે સરકારી વકીલ કરતા કાયદાને અગ્રીમતા આપવી જોઈએ.
હાર્દિકના આ ચુકાદાથી સવાલો એ પણ થાય છે કે, સરકારને વાંધો હતો એટલે તેને મહેસાણામાં પ્રવેશવા દેવામાં નહોતો આવતો, બાકી કાયદો તો પ્રવેશ માટે મંજૂરી આપતો હતો ? બીજું કે કાયદો પ્રવેશ માટે મંજૂરી નહોતો આપતો પણ સરકારને વાંધો ન હતો એટલે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે ? આ બંને સવાલોના જવાબ ખુબ મહત્વના છે પરંતુ તેના જવાબો મળવા કદાચ મુશ્કેલ છે. ગુજરાત હાઇકોર્ટે હાર્દિક મામલે કરેલો હુકમ ચોક્કસ ફેર વિચારણા કરવા યોગ્ય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
ધર્મ સત્તા રાજ સત્તાને શરણે : જાંબુસરમાં સ્વામિનારાયણના સાધુને ભાજપે ટિકિટ આપી