Home Gujarat આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે; ગુજરાતમાં સીઝનનો 69 ટકાથી વધુ વરસાદ ખાબક્યો,...

આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે; ગુજરાતમાં સીઝનનો 69 ટકાથી વધુ વરસાદ ખાબક્યો, કચ્છમાં સૌથી વધુ 117 ટકા નોંધાયો વરસાદ!

Face Of Nation 27-07-2022 : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 69 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સાબરકાંઠાના ઈડરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત
વહેલી સવારે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે. સવારે 2 કલાકમાં જ દાંતામાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મહેસાણાના સતલાસણા, સાબરકાંઠાના વડાલીમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદ બાદ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે.
કુલ 40 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો
ગુજરાતમાં 26 જુલાઇ 2022 સવારે 6 કલાકથી 27 જુલાઇ 2022 સવારે 6 કલાક સુધીમાં 189 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. રાજ્યના 32 જિલ્લાના કુલ 40 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ 24 કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના સરસ્વતી, અરવલ્લીના ભિલોડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
કચ્છમાં સીઝનનો 117 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 69 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છમાં સીઝનનો 117 ટકા વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 82 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 55 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 61 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો મધ્ય પૂર્વ ગુજરાતમાં 60 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ચોમાસાના શરુઆતના જ મહિનામાં સારો એવો વરસાદ વરસતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે
રાજ્યમાં ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. જો કે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર હવે ઘટશે. હવામાન વિભાગની આગાહી મુજબ 27મી જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. એટલે કે ખૂબ જ ઓછા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પાડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).