Home Gujarat ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણની સાથે રોજગારી : વેકેશનમાં 30 દિવસ કામ કરો ને...

ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણની સાથે રોજગારી : વેકેશનમાં 30 દિવસ કામ કરો ને આખા વર્ષની ભરાઈ જશે ‘ફી’, 1 દિવસમાં 400 રૂપિયાનું વળતર મેળવે છે!

Face Of Nation 16-06-2022 : મહાત્મા ગાંધીએ 18 ઓક્ટોબર 1920માં આશ્રમ રોડ પર સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠ આજે 100 વર્ષ પછી પણ ગાંધીવિચારો સાથે આગળ વધી રહી છે. ગૂજરાત વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તેમને શિક્ષણની સાથે સાથે સમૂહ જીવન થકી જીવન જીવવાના પાઠ પણ ભણાવાય છે. ગુજરાતના છેવાડાનો વિદ્યાર્થી પણ અહીં અભ્યાસ માટે આવે છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ તો એવા પરિવારમાંથી આવે છે, જેમના વાલી પાસે આગળના વર્ષની ફી ભરવાની પણ સગવડ હોતી નથી, પરંતુ આવા વિદ્યાર્થીઓનો પૈસાના અભાવે અભ્યાસ ન બગડે અને કોઈની પાસે હાથ લાંબો કરવાની જગ્યાએ સ્વાભિમાનથી જીવી શકે એ માટે વર્ષ 2015થી શરૂ કરેલો યુવા સ્વાભિમાન કાર્યક્રમ આજે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.
1 કલાકના 50 રૂ. લેખે દિવસના 400 રૂ. જેટલું વળતર
યુવા સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ, સાદરા અને રાંધેજા આમ ત્રણેય પરિસરના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સ્વમાનભેર કામ કરીને શિષ્યવૃત્તિ મેળવે છે. આ કાર્યક્રમમાં જોડાનારા વિદ્યાર્થીઓ પાસે શનિ-રવિ અને વેકેશન દરમિયાન વિદ્યાપીઠ પરિસરની અંદર 8 કલાકની કામગીરી સોંપવામાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી કામગીરી કરે છે. આ કામગીરી સામે વિદ્યાર્થીઓને એક કલાકના 50 રૂપિયા લેખે દિવસના 400 રૂપિયા જેટલું વળતર પણ ચૂકવવામાં આવે છે, જેમાંથી આગામી વર્ષની ફી તેઓ સરળતાથી ભરી શકે છે.
દર વર્ષે 40થી 45 વિદ્યાર્થીઓ વેકેશમાં જોડાય છે
યુવા સ્વાભિમાન કાર્યક્રમનું સંચાલન કરી રહેલા જયેશ વાઘેલાએ જણાવ્યું હતું કે યુવા સ્વાભિમાન કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સાથે કેટલાક એવા પણ વિદ્યાર્થીઓ જોડાય છે, જેને પોતાની જાતે સ્વાવલંબી બનીને આગળના વર્ષની ફી ભરવી હોય છે. દર વર્ષે આ કામગીરીમાં 40થી 45 વિદ્યાર્થીઓ વેકેશમાં જોડાય છે, જેમની પાસે કેમ્પસ સફાઈ, ખંભાતી કૂવાની સફાઈ, ધાબાની સફાઈ, અલગ અલગ છોડવાને પાણી પિવડાવવાની સાથે એની માવજત કરવાની કામગીરી સાથે જ કેમ્પસમાં ભેગા થતા કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી સોંપવામાં આવે છે. આમ જેની પરિસ્થિતિ ખરેખર નબળી છે તેવા વિદ્યાર્થીઓ વેકેશનમાં કામગીરી કરીને 17થી 18 હજારનું વળતર મેળવીને પોતાના પરિવારને મદદરૂપ થવાની સાથે આગળના વર્ષની ફી પણ ભરે છે.
હવે આગળના વર્ષની ફી ભરવાની ચિંતા દૂર થઈ છે
ગૂજરાત વિદ્યાપીઠમાં કામ કરી રહેલી અનિતા રાઠવા કહે છે, હું છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાંથી ગૂજરાત વિદ્યાપીઠમાં સમાજકાર્યમાં અભ્યાસ કરવા માટે આવી છું. મારા પિતા ખેતમજૂરી કરે છે, જેથી અમારા ઘરની પરિસ્થિતિ સારી નથી. હું જ્યારે 11માં ધોરણમાં હતી ત્યારથી જ વેકેશન દરમિયાન બહાર મજૂરી કરવા જતી હતી, પરંતુ અહીં જ્યારે એડમિશન લીધું ત્યારે જાણ્યું કે અહીં સ્વાભિમાન શિષ્યવૃત્તિ કાર્યક્રમ ચાલે છે, એટલે હું આમાં જોડાઈ છું અને મને ખુશી પણ થઈ રહી છે કે દર વર્ષની જેમ મારે મજૂરી કરવા નહીં જવું પડે. હવે આગળના વર્ષની ફી ભરવાની ચિંતા દૂર થઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).