Home Gujarat રાજયના નેશનલ હાઈવે માટે 3760 કરોડની મંજૂરી; અમદાવાદમાં ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ...

રાજયના નેશનલ હાઈવે માટે 3760 કરોડની મંજૂરી; અમદાવાદમાં ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે 3 એલિવેટેડ બનશે ફ્લાય ઓવર!

Face Of Nation 28-06-2022 : અમદાવાદ હવે સ્માર્ટ સિટી બની ગયું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનોને ટ્રાફિકની હેરાનગતીમાંથી મુક્તિ આપવા માટે નવા ફ્લાયઓવર બનાવવા માટે રાજ્ય સરકારે કમરકસી છે. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રૂ।. 3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છે.
ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે
મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ 2022-23નો રૂ.3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂ.2511.10 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રિજના બાંધકામો તેમજ રૂ.1249.54 કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટિવિટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રિજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનું નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.
છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવાશે
તેમણે ઉમેર્યુ કે, આ વાર્ષિક પ્લાનમાં રૂ. 350 કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કિલોમીટરના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવાશે, તેમજ હયાત સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે. આ ઉપરાંત રૂ.128 કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના 5.28 કિલોમીટરની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત રૂ.110 કરોડના ખર્ચે સરખેજ–ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે 4 કિલોમીટર લંબાઇ 3 એલિવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માર્ગોના આ કામો થશે
મંત્રીએ વધુમાં કહ્યું કે, રૂ. 257 કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના 50.48 કિલોમીટરના 10 મીટર પહોળા રસ્તાનુ નિર્માણ કરાશે. જેના પર 2(બે) રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયાનુ નિર્માણ થશે. આ રોડ પર 100 કિલોમીટરની સ્પીડ સુધી વાહનો દોડી શકશે. રૂ.451.50 કરોડના ખર્ચે બાધડા – અમરેલીના 50.48 કિલોમીટરનો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરાશે.
આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગ પહોળો કરાશે
આ ઉપરાંત રૂા. 450 કરોડના ખર્ચે ભિલોડા–શામળાજી નેશનલ હાઇવે 168-Gનો નવો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ 10 મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. વધુમાં રૂા. 250 કરોડના ખર્ચે જામનગર – કાલવાડ નેશનલ હાઇવે-927-Dને ચાર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).