Home Uncategorized ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટના પ્રવાસે, મુલાકાત સમયે વિજય રૂપાણી અને વજુભાઇ...

ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટના પ્રવાસે, મુલાકાત સમયે વિજય રૂપાણી અને વજુભાઇ વાળા ગેરહાજર

Face Of Nation, 20-11-2021:  ભારે રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે છે. નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની મુલાકાતે છે, ત્યારે આ મુલાકાતમાં રાજકોટના ત્રણ દિગ્ગજ નેતાની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી છે. આ મુલાકાતમાં પૂર્વ CM વિજય રૂપાણી, વજુભાઇ વાળા અને નીતિન ભારદ્વાજની ગેરહાજરીએ રાજકીય ચર્ચા જગાવી છે.

રાજકોટ એરપોર્ટ પર સીઆર પાટીલનું બેંડવાજા, ઢોલનગારા અને આતશબાજી સાથે ઉષ્માભેર ભાજપ કાર્યકરો સ્વાગત કરાયું છે. બપોરે 3 વાગ્યે રાજકોટના હેમુગઢવી હોલના મિની થિયેટરમાં કોર્પોરેટરો, ચૂંટાયેલા સભ્યો સાથે પાટીલ મુલાકાત કરશે. જેમાં કાર્યકર્તાઓને સી.આર પાટીલ માર્ગદર્શન આપશે. ત્યારબાદ આ જ સ્થળે બ્રહ્મસમાજના કાર્યક્રમમાં પણ પાટીલ હાજર રહેશે. અહીં હોલમાં જ પાટીલ ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરશે. જોકે, સીઆર પાટીલની આ મુલાકાતમાં પૂર્વ CM વિજય રૂપાણી અને વજુભાઇ વાળા હાજર નહિ રહે. તો ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ પણ હાજર નહિ રહે. સૌરાષ્ટ્રના 3 દિગ્ગજ નેતાઓ રાજકોટમાં હાજર ન હોવાથી હાજરી નહિ આપે તેવી વાત સામે આવી છે. પરંતુ રાજકોટમાં ચાલતા આંતરિક વિખવાદની વાત સપાટી પર આવી છે.

તો બીજી તરફ રાજકોટના જૂથવાદ અને સંગઠન અંગે સીઆર પાટીલે સ્પષ્ટતા કરી કે, રાજકોટમાં કોઈ જૂથવાદ નથી. રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે. પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે. આગામી ચૂંટણીને લગતા પડકારો છે. આગામી ચૂંટણીઓ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં જ લડવામાં આવશે. વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક છે અને રહેશે.

તો બીજી તરફ, રાજકોટમાં સાંસદ રામભાઈ મોકરિયાએ ભાજપના આંતરિક જૂથવાદ વિશે કહ્યું કે, મીડિયા એની રીતે ચાલવે છે. આવો કોઈ જૂથવાદ નથી. તમે તમારી રીતે ચાલવો છો. મીડિયા એનો ધર્મ નિભાવે છે. જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી દૂર જ રહે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સત્તા પરિવર્તન બાદ રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ સીમાએ પહોંચી ગયો છે. રાજકોટમાં બે જૂથ પડી ગયા છે. તાજેતરમાં રાજકોટ શહેર ભાજપના સ્નેહલમિલનની પત્રિકામાં દિગ્ગજ ધારાસભ્યો અને સાંસદોના જ નામ ગાયબ થયા હતા. રામભાઈ મોકરિયા, મોહન કુંડારિયા અને MLA ગોવિંદ પટેલનું નામ પત્રિકામાં લખાયુ જ ન હતું. સત્તામાં બેઠેલા સિનિયર નેતાના નામ અદ્રશ્ય થતાં વિવાદ વકર્યો હતો. જોકે, બીજી તરફ, પૂર્વ CM રૂપાણી, કેબિનેટ મંત્રી અરવિંદ રેયાણીનું નામ પત્રિકામાં મૂકાયુ હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં સ્ટેજ પર પણ એકબીજા વચ્ચે નારાજગી જોવા મળી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)