Home Uncategorized ચમત્કાર, 75 વર્ષ બાદ પણ મંદિરમાં રાખેલો શીરો તાજો નીકળ્યો..

ચમત્કાર, 75 વર્ષ બાદ પણ મંદિરમાં રાખેલો શીરો તાજો નીકળ્યો..

Face Of Nation, 10-09-2021:  આપણી સામે અનેકવાર માનવામાં ન આવે તેવી ઘટનાઓ બનતી હોય છે. કેટલાક લોકો તેને ચમત્કાર કહે છે, તો કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા ગણે છે. આવી જ એક ઘટના ગુજરાતમાં કચ્છમાં બની છે. કચ્છના અંજારમાં એક મંદિરમાં 75 વર્ષ જૂનો શીરો મળી આવ્યો છે. જે 75 વર્ષના વહાણા વીતી ગયા બાદ આજે પણ તાજો છે. આ ઘટનાથી અંજારવાસીઓ ચમત્કાર ગણાવી રહ્યા છે અને ભગવાનનની પ્રસાદી કહી રહ્યાં છે.

અંજાર તાલુકાના ખેડાઈ ગામના પટેલવાસમાં લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર સૌથી પહેલા 1945 માં બનાવવામાં આવ્યુ હતું. પરંતુ કચ્છના ભૂકંપમાં મંદિર જર્જરિત થઈ ગયુ હતું. તેના બાદ હાલ મંદિરના જીર્ણોદ્વારની કામગીરી હાથ ધરાઈ હતી. મંદિરનું શિખર બદલવાની કામગીરી કરવાની હતી. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ મંદિરમાં એક હવનનું આયોજન કરાયુ હતું. જેના બાદ શિખરના ટોચ પરથી કળશ ઉતારવામાં આવ્યો હતો.

આ કળશ જોઈને જ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે, મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમયે કળશમાં શીરો મૂકવામાં આવ્યો હતો, તે 75 વર્ષના વહાણા વિત્યા બાદ પણ તાજો મળી આવ્યો છે. જાણે ગઈકાલે જ બનાવ્યો હોય તેમ શીરામાંથી ચોખ્ખા ઘીની સુગંધ આવતી હતી. શીરામાં કોઈ પ્રકારના બગાડ થયો ન હતો. જેથી લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવી છે.

કળશ ઉતારતા સમયે જે કુંભ મળ્યો તેમાં તાંબાનો એક સિક્કો પણ મળી આવ્યો છે. જેમાં “માગસર સુદ છઠ, સોમવાર સંવંત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખ્યું હતું. જેને ખોલતા તેમાં શીરો મૂકાયેલો હતો. ભક્તોએ શીરાના પ્રસાદને ફરીથી મંદિરમાં ધર્યો હતો.

હાલ અંજારના ભક્તો આ ચમત્કારને નજરોનજર જોઈ શકે તે માટે શીરાને સાચવવામાં આવ્યો છે. આ અદભૂત ઘટનાને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે તેવુ ખેડોઈના પાટીદાર સનાતન સમાજના પ્રમુખ અંબાલાલભાઈ છાભૈયાએ જણાવ્યું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)