Home World હાફિઝ સઇદ સહિત તેના ૧૨ સાથીદારો સામે ટેરર ફાઇનાન્સના ૨૩ કેસ દાખલ

હાફિઝ સઇદ સહિત તેના ૧૨ સાથીદારો સામે ટેરર ફાઇનાન્સના ૨૩ કેસ દાખલ

 

Face Of Nation:ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા બ્લેક લિસ્ટમાં મૂકાવાની ચેતવણી અપાયા પછી હાંફળા ફાંફળા બનેલા પાકિસ્તાને ફરી એકવાર આતંકવાદી સંગઠનો સામે પગલાં લેવાનો દેખાડો કવ્રવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનો લશ્કર એ તોયબાના આતંકવાદી સરગણા હાફિઝ સઇદ અને તેના ૧૨ સાથીદારો સામે ટેરર ફાઇનાન્સના કેસ નોંધ્યાં છે.

પાકિસ્તાનના કાઉન્ટર ટેરર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લશ્કર એ તોયબા, જમાત ઉદ દાવા, ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન, દાવત ઉલ ઇરશાદ ટ્રસ્ટ, મુઆઝ બિન જબાલ ટ્રસ્ટ, અલ અન્ફાલ ટ્રસ્ટ, અલ હમદ ટ્રસ્ટ અને અલ મદીના ફાઉન્ડેશન ટ્રસ્ટના નેતાઓ સામે આતંકવાદ માટે ભંડોળ એકઠું કરવા ટ્રસ્ટ અને એનજીઓના નેટવર્કનો ઉપયોગ કરવા માટે લાહોર, ગુજરાનવાલા અન્ મુલતાનમાં ૨૩ કેસ નોંધાયાં છે. તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓએ એન્ટી ટેરરિઝમ એક્ટ ૧૯૯૭ અંતર્ગત ટેરર ફાઇનાન્સિંગ અને મની લોન્ડરિંગના સંખ્યાબંધ અપરાધો આચર્યાં છે. સરકારે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો અંતર્ગત આ સંપત્તિઓ કબજામાં લઇ લીધી છે.

કયા સંગઠનો અને આતંકી સરગણાઓ સામે કેસ

સંગઠનો

લશ્કર એ તોયબા, જમાત ઉદ દાવા, ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન, દાવત ઉલ ઇરશાદ ટ્રસ્ટ, મુઆઝ બિન જબાલ ટ્રસ્ટ, અલ અન્ફાલ ટ્રસ્ટ, અલ હમદ ટ્રસ્ટ અને અલ મદીના ફાઉન્ડેશન ટ્રસ્ટ.

આતંકી સરગણા

હાફિઝ સઇદ, અબ્દુલ રહેમાન મક્કી, મલિક ઝફર ઇકબાલ, અમીર હમ્ઝા, મુહમ્મદ યાહ્યા અઝિઝ, મુહમ્મદ નઇમ, મોહસિન બિલાલ, અબ્દુલ રકીબ, ડો. એહમદ દૌડ, ડો. મુહમ્મદ અયુબ, અબ્દુલ્લાહ ઉબૈદ, મુહમ્મદ અલી, અબ્દુલ ગફાર અને અન્યો

પાકિસ્તાને પહેલીવાર હાફિઝ સઇદનો ઉલ્લેખ કર્યો

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને પહેલીવાર આતંકવાદમાં સંડોવણી માટે લશ્કર એ તોયબ અને તેના સંગઠનો સામે નોંધાયેલા કેસમાં સીધેસીધા હાફિઝ સઇદના નામનો ઉલ્લેખ કર્યો હતો. એફએટીએફ દ્વારા અપાયેલી આકરી ચેતવણીના બે સપ્તાહમાં જ પાકિસ્તાન સરકાર દ્વારા આતંકવાદી સંગઠનો અને તેમના સરગણાઓ સામે પગલાંનો પ્રારંભ કરાયો છે.

પાકિસ્તાન ગુલાંટ ન મારે તે જોવું રહ્યું : ભારત

ભારતને પાકિસ્તાનના દાવાઓ પર કોઇ વિશ્વાસ નથી. પહેલાં પણ પાકિસ્તાને આતંકવાદીઓ સામે આ પ્રકારની કાર્યવાહીના દેખાડા કરેલા છે. હવે એ વાત મહત્વની છે કે પાકિસ્તાન દ્વારા લેવાયેલાં પગલાં નક્કર હોય.