Face Of Nation 23-07-2022 : કેન્દ્ર સરકારે દેશના ફ્લેગ કોડમાં ફેરફાર કર્યો છે, જેના હેઠળ હવે તિરંગો દિવસ અને રાત બંને ફરકાવવાની મંજૂરી અપાશે. તેમજ હવે પોલિએસ્ટર અને મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજનો પણ ઉપયોગ કરી શકાશે. આ પહેલા તિરંગો માત્ર સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ફરકાવવાની મંજૂરી હતી. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સરકાર 13મીથી 15મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર ત્રિરંગો’ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને આ પગલું સામે આવ્યું છે.
તિરંગો દિવસ-રાત કોઈપણ સમયે ફરકાવી શકાય છે
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન, ફરકાવવું અને તેનો ઉપયોગ ભારતીય ધ્વજ સંહિતા, 2002 અને રાષ્ટ્રીય ગૌરવનું અપમાન નિવારણ અધિનિયમ, 1971 હેઠળ આવે છે. પત્ર અનુસાર, 20મી જુલાઈ, 2022ના આદેશ દ્વારા ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં સુધારો કરવામાં આવ્યો છે અને હવે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002ના ભાગ II ના પેરા 2.2 ની કલમ (11) હવે આ રીતે વાંચવામાં આવશે, ‘જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય છે અથવા નાગરિકના નિવાસસ્થાને પ્રદર્શિત થાય છે, તે દિવસ-રાત લહેરાવી શકાય છે.
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવાની મંજૂરી હતી
અગાઉ તિરંગો માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવાની છૂટ હતી. તેવી જ રીતે, ધ્વજ સંહિતાની બીજી જોગવાઈમાં સુધારો કરાયો હતો જેમાં કહેવાયું હતું કે, “રાષ્ટ્રધ્વજ હાથથી કાંતવામાં આવેલ અને હાથથી વણાયેલ અથવા મશીનથી બનેલો હોવો જોઈએ. તે કોટન/પોલિએસ્ટર/ઊન/સિલ્ક ખાદીથી બનેલી હશે.’ મશીનથી બનેલા અને પોલિએસ્ટરથી બનેલા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાની મંજૂરી ન હતી.
‘હર ઘર તિરંગા’ અભિયાન 13મી થી 15મી ઓગસ્ટ સુધી
પ્રધાનમંત્રીએ શુક્રવારે લોકોને 13મી ઓગસ્ટથી 15મી સુધીની વચ્ચે પોતપોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગા ઝુંબેશને મજબૂત બનાવવાની અપીલ કરી હતી. મોદીએ ટ્વીટ દ્વારા કહ્યું કે આ અભિયાન ત્રિરંગા સાથે અમારું જોડાણ વધુ ગાઢ બનાવશે. તેમણે ઉલ્લેખ કર્યો કે 22મી જુલાઈ, 1947ના રોજ જ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).