Face Of Nation 09-05-2022 : હાર્દિકના પટેલ સામે રામોલમાં નોંધાયેલ ફરિયાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની રિવિઝન અરજીને સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. અગાઉ 25મી એપ્રિલના રોજ આ કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હવે હાર્દિક પટેલ અને અન્ય 20 આરોપીઓને અરજી પાછી ખેંચવાથી રાહત મળી છે, હવે હાર્દિક પટેલ સામે માત્ર રાજદ્રોહનો એક કેસ પેન્ડિંગ છે.
કોર્પોરેટરના ઘર પર હુમલો થતા ફરિયાદ નોંધાવેલી
20 માર્ચ 2017ના રોજ કોર્પોરેટર પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના તત્કાલીન સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળાં દ્વારા હુમલો કરાયાની ફરિયાદ નોંધાવાઈ હતી. જે ફરિયાદ બાબતે કેસ પરત ખેંચવા સરકારે રિવિઝન અરજી આપી હતી. અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે. તો બીજીતરફ મહિના પહેલા જ પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઈ રાજ્ય સરકારે વધુ 10 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી હતી. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ હતી. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ, જ્યારે મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1, જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે, જે પરત ખેંચવામાં આવ્યા છે. તો બીજીતરફ ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે.
2015માં આંદોલન હિંસક બન્યું, 14ના મોત થયા હતા
વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. તેમની પાટીદારોને અનામત આપવાની માગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં. પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માગણીને લીધે ગુજરાતનાં પૂર્વ CM આનંદીબહેન સરકાર પર દબાણ આવ્યું હતું.
હાર્દિક યુવા ચહેરાઓ હાલ રાજકારણમાં સક્રિય
અનામત આંદોલન અને એ સંબંધિત ચહેરાઓની વાત કરીએ તો એકબીજા સાથે આંદોલનમાં સાથે કામ કરનારા નેતાઓ આજે વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઈને મહત્ત્વનાં પદો પર છે. આ ચહેરાઓમાં હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, રેશમા પટેલ, નિખિલ સવાણી, અતુલ પટેલ, દિલીપ સાબવા, ધાર્મિક માલવિયાનો સમાવેશ થાય છે, જેમાંથી હાલ હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).