Home Gujarat ખોડલધામ બેઠક : હાર્દિકનું નાના છોકરા જેવું વર્તન; કહ્યું- હું કોંગ્રેસથી નારાજ...

ખોડલધામ બેઠક : હાર્દિકનું નાના છોકરા જેવું વર્તન; કહ્યું- હું કોંગ્રેસથી નારાજ છું, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર, નરેશભાઈ આવશે તો નારાજગી દૂર થશે!

Face Of Nation 15-05-2022 : ખોડલધામમાં આજે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે. આજે હું ગુજરાતનો કાર્યકારી પ્રમુખ છે તો મારી જવાબદારી નક્કી હોય ને. નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થશે, પછી તો મારે તેની સાથે જ ચર્ચા કરવાની થશે. કરણીસેનાની એકતા યાત્રા પણ ખોડલધામ પહોંચી હતી. જેનું સ્વાગત નરેશ પટેલે કર્યું હતું.
સામાજિક, રાજકીય અને પારિવારિક મુદ્દાઓ પર ચર્ચા કરી
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે હું, અલ્પેશભાઈ અને દિનેશભાઈ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. જેમાં સામાજિક, રાજકીય અને પારિવારિક સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લીને ચર્ચા કરી છે. નરેશભાઇ કોઈ પણ રાજકીય નિર્ણય લે તેને અમે માનીશું. નરેશભાઈએ પાટીદારો પર થયેલા કેસો પાછા ખેચવા મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જે બાદ 22થી 25 કેસ પાછા ખેચાયા હોવાથી તેમનો આભાર માનવા પણ આવ્યા હતા. હજી 244 જેટલા કેસોની પ્રોસેસ ઝડપી બને તે માટેની રજુઆત પણ કરી છે. સાથોસાથ તેમનો કોઈ પણ રાજકીય નિર્ણય હોય તેમાં અમે સૌ સહમત છીએ.
તમારો રાજકીય નિર્ણય વહેલામાં વહેલી તકે રજુ કરો : હાર્દિક
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમે માગણી પણ કરી છે કે, તમારો રાજકીય નિર્ણય વહેલામાં વહેલી તકે રજુ કરો. અમારો તમામનો હેતુ સામાજિક પરિબળોને હાવિ બનાવવાનો નહીં, પરંતુ ગુજરાતના સાડા છ કરોડ લોકોને સારું નેતૃત્વ મળે, સારી વ્યવસ્થા મળે, લોકોનું કામ થાય, લોકો સમૃદ્ધ થાય તે માટેનો અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે. ખોડલધામ પાટીદાર સમાજની નિમિત સંસ્થા છે પણ હકિકતમાં સર્વસમાજની આસ્થાનું કેન્દ્ર છે. જો હું ઉદયપુર ગયો હોત તો મારા સમાજના સર્વમાન્ય નેતાને મળી શક્યો ન હોત. ગઇકાલે ઉદયપુર ગયો હતો તો સુરેન્દ્રનગરના એક કાર્યકરના કાર્યક્રમમાં ન જઈ શક્યો હતો. જ્યા સુધી મુદ્દાનું નિરાકરણ ન આવી શકે ત્યાં સુધી હું ત્યાં જઈને શું ચર્ચા કરી શકીશ.
નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો મારે એને જ પૂછવાનું રહેશે
વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી પાસેથી કઈ લીધું નથી આજસુધી. 2015 હોય, 2017 હોય અમે અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે જોડવાનું કામ કર્યું છે. અમે કામ માગીએ છીએ, અમે થોડા પદ માગીએ છીએ. નરેશભાઈને કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે ડાયરેક્ટ ચર્ચા થઈ છે. આથી લોકલ નેતાઓ સાથે શું ઇસ્યુ છે તેનો મને વધારે ખ્યાલ નથી. નરેશભાઈ સોનિયાજી અને રાહુલજી સાથે ચર્ચા કરે છે તો આશા રાખું છું કે, ટૂંક સમયમાં ત્યાંથી જ નિર્ણય આવી જશે. નરેશભાઈએ રાજકારણમાં જોડાવું જોઈએ. સમાજહિતનું કામ રાજકારણમાં આવીને સારી રીતે કરી શકે. નરેશભાઈના આવવાથી ગુજરાતના લોકોને મોટો ફાયદો થશે. નરેશભાઈ કોગ્રેસમાં આવશે તો મારે બીજા કોઈને પૂછવાની જરૂર જ નહીં રહે.
5થી 7 દિવસ બાદ નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરશે
બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, સામાજિક અને શિક્ષણ વિશે ચર્ચા થઈ હતી. પાટીદાર યુવાનો પર કેસ છે તે પાછા ખેચાવાની ધીમી ગતિ છે. સરકારને વિનંતી કરીએ છીએ કે તેમાં થોડી ઝડપ રાખે. બધા કેસો પાછા ખેચાય તેવી સરકારને વિનંતી છે. મારા રાજકારણમાં પ્રવેશ અંગે પણ ચર્ચા થઈ હતી. હજી પાંચથી સાત દિવસની અંદર અમારી બીજી બેઠક થશે તેમાં કદાચ આગેવાનો વધશે. ત્યારબાદ મારો નિર્ણય તમારા સમક્ષ મુકીશ. હાર્દિકની પરિસ્થિતિ છે તે યથાવત છે અને જે પક્ષમાં છે તેમાં જ છે. તેને એક પક્ષમાં બીજા પક્ષમાં જવું છે તેના વિશે ચર્ચા થઈ નથી. હાર્દિકના પક્ષમાં જે પ્રશ્નો છે તે હાર્દિક અને હું પણ મારા લેવલથી ઉકેલ આવે તેવો પ્રયત્ન કરું છું. હાર્દિક એટલો મેચ્યોર છે કે, તે મને સમજાવી શકે છે.
નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા
જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાનપદે જામનગરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસ્થાને ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. ત્યારે ગત મંગળવારે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જામનગર દક્ષિણના ધારાસભ્ય, આર.સી.ફળદુ, ભાજપના નેતા વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડિયા સહિતના નેતાઓએ હાજરી આપી હતી. નરેશ પટેલ પણ આ પોથીયાત્રામાં હાજર રહ્યા હતા. પોથીયાત્રા દરમિયાન નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા.
24મી એપ્રિલે કોંગ્રેસના મનહર પટેલ સાથે બેઠક કરી હતી
24મી એપ્રિલે નરેશ પટેલે પ્રદેશ કોંગ્રેસ-પ્રવક્તા મનહર પટેલ સાથે ખોડલધામ ખાતે બેઠક યોજી હતી. ત્યારે નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે મનહર પટેલનો રાજકારણમાં આવવાનો આગ્રહ છે. ખાસ તો રાજકરણમાં મારા પ્રવેશ અંગે મને હૂંફ આપવા આવી છે. આ અંગે મનહર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે દરેક સમાજના લોકોની મારી સાથે નરેશભાઇ પટેલને મળવાની ઈચ્છા હતી. આથી વિવિધ સમાજના આગેવાનો સાથે નરેશભાઈએ મુલાકાત કરી છે અને તેઓ રાજકારણમાં પ્રવેશ લઇ રહ્યા છે. ત્યારે તેઓ સારો અને યોગ્ય નિર્ણય લે એ જ અમારી ઇચ્છા છે અને આ અંગેની ચર્ચા જ આજે અમારી બેઠકમાં થઈ હતી. તો બીજીતરફ રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં 27મી એપ્રિલે અલગ અલગ ચાર બેઠક યોજાઈ હતી, જેમાં સૌથી પહેલા ટ્રસ્ટીમંડળની બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટીમંડળની બેઠક બાદ સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની બેઠક મળી હતી અને બાદમાં ગુજરાતના કન્વીનરોની બેઠક યોજાઈ હતી. આ સમયે નરેશ પટેલે કહ્યું હતું કે હું શું કરું, રાજકારણમાં જોડાવ? ત્યારે ખોડલધામના ગુજરાતના કન્વીનરો એક સૂર સાથે બોલ્યા હતા કે હા… તમારે રાજકારણમાં આવવું જોઈએ.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).