Face Of Nation 20-11-2022 : પાટીદાર સમાજને મૂર્ખ બનાવીને પોતાની રાજકીય રોટલી શેકીને હાર્દિક પટેલ નામના લબરમુછીયાએ ભાજપમાં પ્રવેશ મેળવી લઇ વિધાનસભાની ચૂંટણીમાં જંપલાવ્યું છે. જે ભાજપને અને ભાજપના દિગ્ગ્જ નેતાઓને જાહેરમાં બેફામ ભાંડી તે જ નેતાઓએ હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપીને વિધાનસભાની ટિકિટ આપતા હાર્દિકના અભિમાનમાં વધારો થયો છે. ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ હાર્દિકે ક્યારેય ભાજપની કે અન્ય કોઈ સભામાં ભાજપનો ખેસ પહેર્યો નહોતો અને જેવી ભાજપે વિધાનસભાની ટિકિટ આપી કે તુરંત જ ભાજપનો ખેસ પહેરીને મતની ભીખ માંગવા લોકો સમક્ષ નીકળી પડ્યો છે. હાર્દિક જેવાને મતના માધ્યમથી રસ્તે રઝળતા કરીને પ્રજાએ પાઠ ભણાવવો વધુ હિતાવહ હોય છે કેમ કે, આવા નફ્ફટ લોકો જ લોકશાહીને ચીંથરેહાલ બનાવીને તેનું વસ્ત્રાહરણ કરી રહ્યા છે.
જે લબરમૂછિયાએ તેનો રાજકીય ગેમ પ્લાન સફળ કરવા આંદોલને હાથો બનાવીને પાટીદારોને મૂર્ખ બનાવ્યા તે આવતીકાલે મતદારોને પણ મૂર્ખ સમજીને તેની રોટલી શેકવામાં કાંઈ બાકી રાખશે નહીં. આવા લબરમૂછિયાઓ પ્રજાના ખભે પગ મૂકીને દાદાગીરીથી આગળ વધે તે પ્રજાના આત્મસન્માન ઉપર લાત માર્યા બરાબર છે. પાટીદારોએ તો હાર્દિક નામના વ્યક્તિના ભરોસે રસ્તે ઉતરી જઈને પોતાના સમાજની આબરૂ લીલામ કરી છે. અનેક પાટીદાર મહિલા, પુરુષોએ પોલીસની લાકડીઓ ખાધી છે અને અનેક પરિવારોએ પાટીદાર આંદોલનમાં પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે. જયારે હાર્દિક પટેલે તો પૈસો, રાજકીય લાભ અને હવે ચૂંટણીમાં પ્રવેશ મેળવ્યો છે.
જે સત્તાને અને જે ભાજપને ગાળો આપી, તેની વિરુદ્ધ નિવેદનો આપી, પાટીદાર સમાજને આંદોલનના નામે રસ્તા ઉપર લાવી દેનાર હાર્દિક નામના યુવાને આજે તેનો લક્ષ્યાંક પૂરો કર્યો હોય તેમ મૂછમાં પાટીદાર સમાજ સામે અટ્ટહાસ્ય કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બાળક બુદ્ધિ અને જડતા કરીને હાર્દિકે એવા નિવેદનો અને નિર્ણયો જાહેર કર્યા હતા કે જેને લઈને પાટીદાર અનામત આંદોલનમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં મોટી પાત્રમાં સરકારી સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું સાથે જ 14થી વધુ પાટીદારોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક પાટીદારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. હાર્દિકે ભાજપમાં પ્રવેશ મેળવતા એક પછી એક તમામ કેસોમાંથી તેને રાહત મળી રહી છે પણ હાર્દિકના ભરોસે રસ્તે ઉતરી જનારા અનેક પાટીદારો આજે કોર્ટની મુદ્દતોમાં હાજરી આપી રહ્યા છે. વિરમગામ વિધાનસભામાં ભાજપમાંથી ચૂંટણીના મેદાને પ્રચારમાં ઉતરેલો હાર્દિક તો જાણે કે, મૂછમાં હસી રહ્યો છે કે, ખરેખર પાટીદાર સમાજ એટલે મુર્ખાઓનું ટોળું કહેવાય કેમ કે મેં તો મારો રાજકીય રોટલો શેકી લીધો અને પૈસો પણ ભેગો કરી લીધો, સમાજે શું મેળવી લીધું ? ખરેખર આવા લોકો ક્યારેય કોઈના થતા નથી કે ક્યારેય કોઈનું ભલું પણ કરી શકવાના વિચારો ધરાવતા નથી. જેથી પ્રજાએ આવા લોકોને ઘરભેગા કરવા વધુ હિતાવહ હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).