Home Gujarat ‘આવજો હોંશે રહેજો’; હાર્દિકને હાંકી કાઢવાનો કોંગ્રેસનો તખ્તો તૈયાર, ‘ચિંતન શિબિર’માં પણ...

‘આવજો હોંશે રહેજો’; હાર્દિકને હાંકી કાઢવાનો કોંગ્રેસનો તખ્તો તૈયાર, ‘ચિંતન શિબિર’માં પણ સૂચક ગેરહાજરી, ટૂંકસમયમાં હાંકી કાઢવાનો લેવાઈ શકે છે નિર્ણય!

Face Of Nation 13-05-2022 : ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું છે, હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ અને નિવેદનને પણ કૉંગ્રેસે ગંભીર ગણી હાર્દિક સાથે અંતર જાળવવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી છે. જેને પગલે હવે કોંગ્રેસે હાર્દિકને હાંકી કાઢવાનો નિર્ણય લઈ લીધો હોય એવી શક્યતા છે.
રાહુલ સાથે સ્ટેજ પર હતા છતાં વન ટુ વન ન મળ્યા
હાર્દિક પટેલની કોંગ્રેસના નેતૃત્વ સાથે વધતી તિરાડનો નમૂનો તાજેતરમાં જ જોવા મળ્યો હતો. જેમાં ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વન-ટુ-વન બેઠક કરવાનું ટાળ્યું હતું. દાહોદમાં આયોજિત આદિવાસી રેલીમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ એક જ સ્ટેજ પર હતા, કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓના જણાવ્યા અનુસાર કેટલાક દિવસથી હાર્દિક દ્વારા જે રીતે જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેનાથી રાહુલ ગાંધી ખુશ નથી.
રાહુલે હાર્દિકની હાજરીની નોંધ લેવાનું પણ ટાળ્યું
હાર્દિક પટેલ તરફથી આ વિવાદને ડામવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ખાસ કરીને 2019માં જ્યારે રાહુલ ગાંધીએ હાર્દિકને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો, ત્યારે જે બોડી લેંગ્વેજ બંને નેતાઓની જોવા મળી હતી. તેનાથી વિરુદ્ધ દાહોદના કાર્યક્રમમાં જોવા મળી હતી. રાહુલ ગાંધીએ હાર્દિકની હાજરીની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું.
ભાજપમાં હાર્દિકની એન્ટ્રીની શક્યતા એકદમ નહિવત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તે સમયે હાર્દિકની નારાજગી અને નિવેદનબાજીથી કૉંગ્રેસ પણ હાર્દિક સામે પગલાં લેવાની તૈયારી કરી રહી છે. આ સંજોગોમાં જો હાર્દિકને કોંગ્રેસ પણ છોડી દે તો હાર્દિક પટેલ માટે આમ આદમી પાર્ટીના દરવાજા ખુલ્લા રહી શકે છે. પરંતુ, ભાજપમાં હાર્દિકની એન્ટ્રીની શક્યતા એકદમ નહિવત છે, આમ ચૂંટણી સમયે જ હાર્દિકની સ્થિતિ કફોડી બની શકે તેમ છે.
મારું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી : હાર્દિક
તાજેતરમાં જ હાર્દિક પટેલે હાઈકમાન્ડ સમક્ષ વધુ એકવખત નારાજગી વ્યક્ત કરી છે. એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં હાર્દિકે કહ્યું મારું દિલ્હીમાં કોઈ ન હોવાથી મારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે મને આશા છે કે ચિંતન શિબિર પછી કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને મારું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી. આ કારણે જ કોંગ્રેસમાં મારી વાત કોઈ સાંભળતું નથી. રાજ્યમાં કોંગ્રેસના નેતા ભાજપ સરકાર સામે લડવામાં કોઈ રુચિ દાખવતા નથી. છેલ્લાં એક વર્ષમાં પાર્ટીના નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી.
રાહુલ ગાંધી વ્યસ્ત છે : હાર્દિક પટેલ
હાર્દિકે કહ્યું કે 15 દિવસ પહેલાં રાહુલ ગાંધીનો એક મેસેજ આવ્યો હતો. તેમણે મને પૂછ્યું હતું કે શું બાબત છે? મેં આખી વાત જણાવી, પરંતુ 15 દિવસ પછી પણ હાઈકમાન્ડ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. હાલમાં રાહુલ ગુજરાત પણ આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ મીટિંગ જ ન કરી.
14મી એપ્રિલે કહ્યું હતું કે કોંગ્રેસમાં હેરાનગતિ થઈ રહી છે
14મી એપ્રિલના રોજ હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાનો અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું. જોકે તેની ફરિયાદને ગંભીરતાથી ન લેતાં પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા હતા. હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે મને એટલો હેરાન કરવામાં આવે છે કે એ મને બહુ ખરાબ અનુભવાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી, પરંતુ કોઈ પગલાં લેવાયાં નથી.
23મી એપ્રિલથી સોશિયલ મીડિયા પર સંકેતો આપ્યા
ત્યાર બાદ 23મી અને 25મી એપ્રિલે એમ બેવાર વ્હોટ્સએપ ડીપી બદલ્યા હતા. તેમાં પણ 25મી એપ્રિલે મુકેલા ડીપીમાં કેસરી ખેસ સાથેનો ફોટો જોવા મળતા ભાજપમાં જોડાવાની અટકળો ચાલી હતી. 2મી મેના રોજ પણ હાર્દિકે ટ્વીટર એકાઉ્ટ પર પોતાના કોંગ્રેસના હોદ્દાને દૂર કર્યો હતો. ટ્વીટર પર હાર્દિક પટેલે કાર્યકારી અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ લખ્યું હતું. જો કે, અચાનક જ હટાવી દીધું હતું. પટેલે પોતાની તસવીર સાથે પંજાને એમને એમ રાખીને વિવાદોને વધતો અટકાવવા પ્રયાસ કર્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).