Home Gujarat હાર્દિકના અસ્તિત્વને ભૂંસવાની રણનીતિ : હાર્દિકના “પાસ”ના સાથીઓ કહ્યું, હાર્દિકને કારણે...

હાર્દિકના અસ્તિત્વને ભૂંસવાની રણનીતિ : હાર્દિકના “પાસ”ના સાથીઓ કહ્યું, હાર્દિકને કારણે સમાજ નહીં, પણ સમાજને કારણે હાર્દિક હતો : જગદીશ પટેલ

Face Of Nation 04-06-2022 : અમદાવાદમાં 25 ઓગસ્ટે GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલન મુદ્દે અસંખ્ય પાટીદારો ભેગા થયા હતા. આ દરમિયાન સમગ્ર કાર્યક્રમની પોલીસ પરમfશન મેળવનાર હાર્દિક પટેલના સાથી અને ‘PAAS’ના કાર્યકર જગદીશ પટેલે જણાવ્યું હતું કે હવે ‘પાસ’ નવા રંગરૂપમાં આવશે. તેમણે કહ્યું હતું કે ભલે હાલ હાર્દિક પટેલ એવું માનતા હોય કે તેમને કારણે સમાજ છે, પણ સમાજને કારણે તેઓ હતા એ હવે સાબિત થઈ જશે.
PAAS ફરી એકવાર નવા રંગરૂપમાં આવશે
PAASના કાર્યકર જગદીશ પટેલે તેમના ફેસબુક પેજ પર લખ્યું હતું કે 25 ઓગસ્ટ 2015ના રોજ જે કાંઈપણ થયું એ બધું હાર્દિક પટેલની અટકાયત કરાતાં જ થયું હતું. બાકી પાટીદાર સમાજ અસામાજિક તત્ત્વો હોય તો 25 ઓગસ્ટની બપોર સુધીમાં અમદાવાદ આખું ધમરોળી નાખ્યું હોત, કેટલાય લોકોને બાનમાં લઇ લીધા હોત, પણ સમાજ સંપૂર્ણ શાંતિપ્રિય હતો એટલે જ કોઈ એકને પણ આંચ નહોતી આવી. જે વ્યક્તિ માટે શાંતિપ્રિય વ્યક્તિ આક્રમક અથવા હાર્દિકના મત પ્રમાણે અસામાજિક થયા એનું કારણ હાર્દિક જ હતો. હાર્દિકના લીધે જ 14 લોકોનાં મૃત્યુ થયાં, માટે તેમનું અસ્તિત્વ રાજકીય સામાજિક રીતે ખૂબ ઘટી ગયું છે. તેમનું અસ્તિત્વ જ ભૂંસી નાખવા માટે PAAS ફરી એકવાર નવા રંગરૂપમાં આવશે.
આગળ જે પ્રકારે કામ થશે એમાં ખબર પડી જશે
જગદીશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં જ હાર્દિકે અસામાજિક તત્ત્વોની જે વાત કરી હતી એવું અમારે કંઈ જ નથી કરવું. અમારે સરકારનો કોઈ વિરોધ નથી કરવો કે જનતાની કોઈ પ્રોપર્ટીને પણ નુકસાન નથી કરવું. બીજા સમાજને પણ અણગમો થાય એવું પણ અમારે કરવું નથી. અમારે સમાજનો વિકાસ થાય એ માટે કામ કરવું છે. સમાજના છોકરાને નોકરીની જરૂર હોય તો એ માટે કંઈક કરી શકીએ એ માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અત્યારસુધી એવું લાગતું હતું કે હાર્દિકને કારણે બધું હતું, પણ ખરેખર એવું નથી. આગળ જે પ્રકારે કામ થશે એમાં ખબર પડી જશે. હાર્દિકને એવું લાગતું હોય કે તેમના કારણે સમાજ હતો તો એવું નથી, સમાજને કારણે તેઓ હતા એ સાબિત થશે.
હાર્દિક પટેલને લઈને અમારે કશું નથી કરવું
તેમણે વધુમાં કહ્યું હતું કે આગામી સમયમાં ‘PAAS’ નવા રંગરૂપમાં આવશે. ‘PAAS’માં જોડાયેલા જે લોકો હતા તેમાંથી અનેક લોકો રાજકીય પક્ષોમાં જોડાઈ ગયા છે. હવે સંગઠનમાં એક નવી ટીમ બનાવવામાં આવશે, જેમાં કોઈ પ્રવક્તાનું કામ કરશે તો કોઈ સંગઠનનું કામ કરશે. આ પ્રકારે એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એના માટે આગામી સમયમાં અમે એક મીટિંગ પણ બોલાવી છે. તેમણે કહ્યું હતું કે હાર્દિક પટેલને લઈને અમારે કશું નથી કરવું, પણ અમારી જે માગો છે એને પૂરી કરવા માટે અમે ફરીવાર નવા સંગઠનની રચના કરી રહ્યા છીએ.
આંદોલનમાં શહીદ થયેલા લોકોને ન્યાય અપાવવા માગ
તેમણે કહ્યું હતું કે પાટીદાર આંદોલન વખતે જે લોકો શહીદ થયા છે તેમને ન્યાય અપાવવો અને સરકાર તેમને સરકારી નોકરી આપે એવી માગ છે. બીજું એ સમયે પોલીસે જે દમન કર્યું હતું એ મુદ્દે પણ કોઈ કાર્યવાહી થઈ નથી. એ માટે પણ કાર્યવાહી થવી જોઈએ. આંદોલનને દબાવવા માટે જે ખોટા કેસો કર્યા છે એને પાછા ખેંચવામાં આવે આ પ્રકારની અમારી માગ છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા એ પછી બીજા લોકો પણ સંગઠનમાંથી જતા રહેશે તો? આવું ઘણા લોકો વિચારે છે, એટલે આગળ શું કરી શકાય એ માટે નાનામાં નાના માણસનો અભિપ્રાય લેવો જરૂરી છે, માટે હવે નીચેના લેવલે જઈને લોકો સાથે વાત કરીશું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).