Face Of Nation 26-02-2022 : ‘કમિશન’ર કાંડમાં સંડોવાયેલા રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી થતા જ 24 કલાકમાં અન્ય IPS અધિકારીઓની બદલીનો દૌર શરૂ શરૂ થવાની ઘડીઓ ગણાવા લાગી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાબડતોબ બેઠક પણ બોલાવી હતી. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા તથા ગૃહ સચિવ નિપુણા તોરવણે સહિતના અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં બદલીઓની ફાઈલો પણ તૈયાર કરી દેવામાં આવી છે. તેમજ ગૃહ ખાતાના સૂત્રો મુજબ રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવનું નામ નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનરની પણ બદલી થશે
ગુજરાતમાં IPS અધિકારીના બદલીઓની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી, ત્યારે હવે ગમે ત્યારે IPS અધિકારીની બદલીઓ આવી શકે છે. જેમાં અમદાવાદ અને સુરત પોલીસ કમિશનરની બદલી પણ નિશ્ચિત હોવાનું ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. તેની સાથે સાથે રેન્જ આઈજીઓની પણ બદલી થવાની છે. જે અંગે તૈયારીઓ થઈ ગઈ છે.
રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ?
રાજકોટ (દક્ષિણ)ના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટરબોમ્બ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર સરકારે તવાઈ બોલાવી છે અને સજાના ભાગરૂપે જૂનાગઢ બદલી પણ કરી દેવામાં આવી છે. જોકે હવે સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ? આ માટે ગાંધીનગરમાં ગૃહ વિભાગની મિટિંગનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેમાં રાજ્યના અન્ય IPS અધિકારીઓની બદલીનો પણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
આર.પાંડિયનનું નામ મોખરે
આ બેઠકમાં આશરે 70 જેટલા IPS અધિકારીઓની બદલી થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આથી પોલીસ બેડામાં મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકોટના નવા CP તરીકે રાજુ ભાર્ગવ, સુભાષ ત્રિવેદી, નરસિમ્હા કોમર અને આર.પાંડિયનનું નામ મોખરે હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને લીધે રાજ્યના IPS અધિકારીઓનો બદલીઓ પાછી ઠેલાઈ હતી અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોને ક્યાં મૂકવા તેને લઈ અવઢવ હોવાથી બદલીઓ અટકાવી દીધી હતી. પરંતુ હવે ગૃહ વિભાગ એક્ટિવ થઈ ગયું છે અને સમગ્ર ગુજરાતની IPS લોબીમાં બદલીનો દોર ગણતરીની કલાકમાં શરૂ થઈ ગયો છે.
અમદાવાદ પોલીસ કમિશનરને ACBમાં સંપૂર્ણ હવાલો મળી શકે
અમદાવાદ પોલીસ કમિશનરને ACBમાં સંપૂર્ણ હવાલો આપવામાં આવી શકે. જ્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમરના શિરે અમદાવાદ પોલીસ કમિશનરનો તાજ પહેરાવવામાં આવશે. આ બધાની સાથે રાજકોટ પોલીસ કમિશનર, ગાંધીનગર, વડોદરા, બોર્ડર રેન્જ અને સુરત રેન્જમાં પણ પહેલા તબક્કામાં બદલી કરી દેવામાં આવશે તે નક્કી થઈ ગયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).