Home Gujarat પ્રશંસનીય કામગીરી; કાળઝાળ ગરમીને લઇને AMC આવ્યું એક્શનમાં, શહેરમાં ઠેર-ઠેર બનાવ્યા ‘વિસામા’!

પ્રશંસનીય કામગીરી; કાળઝાળ ગરમીને લઇને AMC આવ્યું એક્શનમાં, શહેરમાં ઠેર-ઠેર બનાવ્યા ‘વિસામા’!

Face Of Nation 30-04-2022 : અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી મેથી ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. તેમ છતાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ તો રહેવાનું જ છે. શહેરીજનો ભીષણ ગરમીમાં રીતસર શેકાઈ રહ્યા છે તેવા સમયે મ્યુનિ. સત્તાવાળાઓએ હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. આ પ્લાન હેઠળ લોકોને હીટ સ્ટ્રોકથી બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ગ્રીન નેટની છત ધરાવતા ‘વિસામા’ બનાવ્યા
લોકોને આકરી ગરમી સામે રક્ષણ આપવા તંત્ર રોડ સાઇડ ગ્રીન નેટની છત ધરાવતા ‘વિસામા’ બનાવી રહ્યું છે. આમ તો હીટ એક્શન પ્લાન હેઠળ શહેરનાં ભરચક ટ્રાફિક જંક્શનોને ગ્રીન નેટનાં આવરણથી ઢાંકીને વાહનચાલકોને ભીષણ ગરમી સામે સુરક્ષિત કરવાનો તંત્રનો આશય છે. જોકે તેનાથી જાહેર રસ્તાઓ પરના સીસીટીવી કેમેરાની કામગીરીને માઠી અસર થતી હોવાથી પોલીસ તંત્રે વાંધો ઉઠાવ્યો હતો એટલે હવે સત્તાવાળાઓ રણનીતિ બદલીને રોડની સાઇડ ગ્રીન નેટની છત ધરાવતા ‘વિસામા’ બનાવી રહ્યા છે.
અહીં બનાવ્યા વિસામા
નવરંગપુરાના આંબાવાડી બજાર, અખબારનગર, વાસણા શાકમાર્કેટ, મેઘાણીનગર શાકમાર્કેટ, કાલુપુર શાકમાર્કેટ, ખારુનાળા, ભટ્ટ ચોક, શાહીબાગમાં અંબાજી માતાનો વાસ, માધુપુરા મહાજન રોડ, માધુપુરા રામદેવ, ખાડિયામાં પાંચકૂવા દરવાજા રોડ, ટંકશાળ રોડ, લોખંડ બજાર અને રતનપોળ વગેરે વિસ્તારોમાં તંત્રે લોકોને ગરમી સામે રાહત આપવા ગ્રીન નેટનું આવરણ આપ્યું છે. જોકે ગાંધીરોડના બાલા હનુમાન રોડ પર ગ્રીનને બદલે યલોનેટ લગાવાઈ છે. તંત્ર દ્વારા ઊભા કરાયેલા ‘વિસામા’ પૈકી કેટલાકમાં લોકો વાહન પાર્ક કરતા હોવાની ફરિયાદો પણ ઊઠી છે.
વિવિધ વિસ્તારોમાં 750 પાણીની પરબ શરૂ કરી
લોકોને ધોખધમતા તાપમાં પાણીની તરસ લાગે તે સ્વાભાવિક છે. મ્યુનિ. સત્તાવાળાઓએ શહેરમાં વિવિધ વિસ્તારોમાં 750 પાણીની પરબ શરૂ કરી છે. AMTS દ્વારા શહેરનાં તમામ બસ ટર્મિનસ પર પેસેન્જર્સ માટે પાણીની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે બીઆરટીએસના મહત્ત્વનાં સ્ટેશનો પર ૨૦ લિટરનાં પાણીના જગ મુકાયા હોવાનો તંત્રએ દાવો કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).