Home Uncategorized મુંબઈમાં ચિક્કાર વરસાદથી થોભી ગયું જનજીવન,મહાલક્ષ્મી ટ્રેન પાણીમાં ફસાતા બે હજાર લોકો...

મુંબઈમાં ચિક્કાર વરસાદથી થોભી ગયું જનજીવન,મહાલક્ષ્મી ટ્રેન પાણીમાં ફસાતા બે હજાર લોકો ફસાયા

Face Of Nation:મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. શહેરની લાઇફલાઇન કહેવાતી લોકલ ટ્રેન પણ લેટ ચાલી રહી છે. અંબરનાથ સ્ટેશન તો પાણીમાં ડૂબી ગયું છે. અહીં બદલાપુર અને વાનગાની રૂટ પર ચાલનારી મહાલક્ષ્મી ટ્રેન પાણીમાં ફસાઈ ગઈ. સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજરે બચાવ દળને તાત્કાલીક જઈને ત્યાં ફસાયેલા બે હજાર લોકોનું રેસ્ક્યૂ કરવાના નિર્દેશ આપ્યા છે.મુંબઈના રહેવાસીઓ માટે ભારે વરસાદ ફરી એકવાર મોટી સમસ્યાનું કારણ બની ગયું છે. છેલ્લા ઘણા કલાકોથી સતત પડી રહેલા વરસાદે મુંબઈના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.મુંબઈના હવામાન વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં મુંબઈના પરા વિસ્તારોમાં 150થી 180 મિમિ વરસાદ પડ્યો છે અને શનિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ચેમ્બુરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા જેના કારણે અનેક વાહનો બંધ થઈ ગયા હતા.રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન-વ્યવહારને ભારે અસર થઈ છે.ભારે વરસાદના કારણે મુંબઈવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદના કારણે અનેક ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ છે, જે પોતાના નિશ્ચિત સમયથી લગભગ એક કલાક મોડી ઉડાણ ભરશે. મુંબઈ એરપોર્ટના એક અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે વરસાદના કારણે લગભગ તમામ ફ્લાઇટ સરેરાશ અડધો કલાક વિલંબથી ઉડાણ ભરી રહી છે. મળતા અહેવાલ મુજબ 17 ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી છે.

બીજી તરફ, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદના કારણે વેસ્ટર્ન હાઈવેનો વાહનવ્યવહાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.સામાન્ય દિવસોમાં પણ જ્યાં ટ્રાફિક ધીમો હોય છે, વરસાદના કારણે સ્થિતિ વધુ બગડી ગઈ છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેનોના ટ્રેક ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. તેને લીધે લોકલ ટ્રેન સર્વિસને અસર થઈ છે.મુંબઈના જુહૂ તારા રોડ, જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ-વે પર અનેક હિસ્સામાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સજાઈ છે. પાણી ભરાવવાની જાણકારી મુંબઈના ડોમેસ્ટિક એરપોર્ટથી પણ આવી રહી છે. પાણીના કારણે મોટી સંખ્યામાં પેસેન્જર એરપોર્ટ પર ફસાઈ ગયા છે. બીજી તરફ, એરપોર્ટ જનારા લોકો પણ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મુશ્કેલીમાં મૂકાયા છે.