Face Of Nation:હવામાન વિભાગે 9 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 24 કલાક અમદાવાદમાં ગાજવીજ અને ગડગડાટી સાથે ખુબ જ ભારે વરસાદ વરસી શકે છે. તો ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.કોર્પોરેશનના અધિકારીઓને ખડેપગે કરી દેવાયા છે. તે સાથે જ ભારે વરસાદ પડવાનો હોવાથી અલગ-અલગ જગ્યાએ CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં 9 અને 10 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે. 48 કલાક દરમિયાન અમદાવાદમાં 100થી 150 મીમી એટલે કે 5થી 8 ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા છે. આ ઉપરાંત કલાકના 25થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.અમદાવાદના 7 ઝોનમાં ક્રિટિકલ 31 પપિંગ સ્ટેશનનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એપ્લિકેશન દ્વારા પણ કન્ટ્રોલ રૂમ ઉપર નજર રાખવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. ગુરૂવાર મોડી રાતથી જ અમદાવાદમાં વરસાદે માઝા મૂકી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.