Face Of Nation, 20-08-2022 : દેવભૂમિ હિમાચલમાં કુદરતે ભારે વિનાશ કર્યો છે. ચંબાના ભટિયાતમાં ત્રણ, મંડીમાં એક અને કાંગડાના શાહપુરમાં એક મકાન પડી જતાં 9 વર્ષની બાળકીનું મોત થયું છે, જ્યારે 15થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. હમીરપુરમાં 10થી 12 ઘર નદીમાં ડૂબી ગયાં છે. એમાં ફસાયેલા 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે લોકો હજુ પણ ફસાયેલા છે.વિવિધ સ્થળોએ રસ્તાઓ બંધ થવાને કારણે રાહત અને બચાવકાર્ય પર માઠી અસર થઈ હતી. મંડીના ગોહરમાં પહાડ ધસી પડવાને કારણે કશાન પંચાયતના જડોન ગામમાં પરિવારના આઠ સભ્ય ફસાઈ ગયા હતા. મોડી રાત્રે આખો પરિવાર તેમના ઘરે સૂતો હતો અને અચાનક ઘરની પાછળનો પહાડ ધસી પડ્યો હતો. ઘટનાસ્થળે હજુ પણ રાહત અને બચાવકાર્ય ચાલુ છે.
કારમાં 6 લોકો તણાઈ ગયા, 1 બાળકીનો મૃતદેહ મળ્યો
મંડીના કટૌલાના બાગી નાળામાં પૂરમાં એક કાર અને એમાં સવાર છ લોકો તણાઈ ગયા હતા. 15 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. ચંબા જિલ્લાના ચુવાડીના બનેટ ગામમાં ભૂસ્ખલન બાદ ત્રણ લોકો ગુમ થયા હતા. રાજ્યના ઘણા એવા વિસ્તારો છે, જ્યાંથી હજુ સુધી માહિતી ઉપલબ્ધ નથી, જેને કારણે જાનમાલનું નુકસાન વધુ વધવાની આશંકા છે.
કેટલીક શાળાઓ બંધ કરી દેવામાં આવી
મંડી જિલ્લામાં સ્થાનિક પ્રશાસને ભારે વરસાદની ચેતવણી વચ્ચે શાળાઓ બંધ કરી દીધી છે. ચંબા અને કુલુમાં પણ કેટલીક શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, કાંગડા જિલ્લા વહીવટીતંત્રે લોકોને નદીના નાળાની નજીક ન જવા જણાવ્યું હતું. લોકોને ઘરેથી મહત્ત્વપૂર્ણ કામ સિવાય બહાર ન નીકળવા માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે.
ઘણા ડેમ ખતરાના નિશાન પર પહોંચી ગયા છે
રાજ્યની મોટા ભાગની નદીઓ પર બાંધવામાં આવેલા ડેમ ખતરાના નિશાન પર પહોંચી ગયા છે. લારજી ડેમ ભયડનક નિશાન 970 મીટરની સરખામણીએ 969 મીટર સુધી ભરાઈ ગયો છે. નાથપા ડેમ 1494 મીટરની સરખામણીમાં 1494.5 મીટર, 1753ની સરખામણીમાં સૈંજ 1752 મીટર, ચાંજુ-એક 1440.10 મીટર સુધી ભરાઈ ગયો છે. એવી જ રીતે અન્ય ડેમ પણ ખતરાના નિશાન સુધી ભરાઈ ગયા છે.
સરકારી અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડ્યું
કમોસમી વરસાદે રાજ્યમાં રૂ. 1135 કરોડની સરકારી અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડ્યું છે. એકલા જાહેર બાંધકામ વિભાગના 648 કરોડોની સંપત્તિનો નાશ થયો છે. માર્ગ અકસ્માતો, વાદળ ફાટવા, પૂર, ભૂસ્ખલન વગેરેને કારણે 217 લોકોએ જીવ ગુમાવ્યા છે. શિમલા જિલ્લામાં કુલુમાં સૌથી વધુ 35 લોકોનાં મોત થયા છે અને 31 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કમોસમી વરસાદથી 110 મકાન ધરાશાયી થયાં
કમોસમી વરસાદથી 110 મકાન ધરાશાયી થયાં છે. વરસાદથી બચાવવા માટે છત સૌથી વધુ જરૂરી હોય છે, ત્યારે લોકોએ તેમનો આશ્રય છીનવાઈ ગયો હતો. 400 મકાનને આંશિક નુકસાન થયું છે. 55 દુકાન, 16 લેબર શેડ, 321 ગૌશાળાઓ અને 37 ઘાટોને પણ નુકસાન થયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).