Home News વડોદરામાં ભારે વરસાદે સર્જી સમસ્યાઓ,નીચાણ વિસ્તારોમાં પાણી ભરાતા શ્રમજીવીઓ મૂંઝાયા

વડોદરામાં ભારે વરસાદે સર્જી સમસ્યાઓ,નીચાણ વિસ્તારોમાં પાણી ભરાતા શ્રમજીવીઓ મૂંઝાયા

Face Of Nation:વડોદરા છેલ્લા 24 કલાકથી ધીમીધારે ખેતી લાયક વરસી રહેલા મેઘરાજાએ શહેર-જિલ્લામાં જમાવટ કરી છે. શહેર-જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે એકધારો વરસાદ વરસી રહ્યો હોવાનું સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષે જણાવ્યું હતું. શહેરમાં મોડી રાતથી બપોરે 12 સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.શહેરમાં મોડી રાતથી અવિરત ધીમીધારે વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સતત ચાલુ રહેલા વરસાદને કારણે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી હતી. વહેલી સવારે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધાર્થે જતા લોકો અટવાઇ ગયા હતા. વરસાદને પગલે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હતી. તો બીજી બાજુ શ્રમજીવીઓ, પથારા, ખાણી-પીણીની લારીઓ ચલાવીને ગુજરાન ચલાવનારની હાલત કફોડી બની ગઇ હતી. સતત વરસાદને કારણે ઝૂંપડાવાસીઓની હાલત પણ દયનીય બની ગઇ હતી.શહેરમાં સતત વરસી રહેલા પગલે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા વૃક્ષો જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કીટ થવાના કારણે વીજપુરવઠો ખોરવાઇ ગયા હોવાના અહેવાલો મળ્યા છે. ફાયર બ્રિગેડ અને વીજ કંપનીની ટીમો ખડેપગે કોલ મળતાજ સ્થળ પર પહોંચી કામગીરી કરી રહી છે.

શહેરમાં ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબોળ બની ગયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારો એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર રોડ સહિત શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા છે. સયાજીગંજ અને અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણો બની ગયો છે. વાહન ચાલકોને અન્ય માર્ગ ઉપરથી જવાની ફરજ પડી રહી છે.ભારે વરસાદને પગલે વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટી.બી. હોસ્પિટલ સામે આવેલી લક્ષ્મીદાસ નગર-2, રૂપલ પાર્ક, નવનાથ નગર સહિત વિવિધ સોસાયટીઓમાં રોડ ઉપર ભરાયેલા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે સર્જાતી સમસ્યાને કારણે સોસાયટીના મકાન માલિકોએ ઘરના દરવાજા પાસે ઉંચી પાળી બનાવેલી છે. આજે ભારે વરસાદના પગલે વરસાદના રોડ ઉપર ભરાયેલા પાણી પાળી ઓળંગીને ઘરમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ ઉપરાંત ડ્રેનેજ લાઇનો અને વરસાદી ગટરો ચોકઅપ થઇ જવાના કારણે પાણીનો નિકાલ ન થતાં ઘરના ટોયલેટોમાંથી પાણી ઉભરાઇને ઘરમાં આવી જતાં લોકો દયનીય હાલતમાં મુકાઇ ગયા છે.