Face Of Nation: લેબનાનમાં આવેલા આતંકી સંગઠન હિઝબુલ્લાએ ચેતવણી આપી છે કે, જો અમેરિકાએ ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું તો ઈઝરાયલ તેમાંથી બાકાત નહીં રહે. સંગઠનના મુખિયા હસન નસરુલ્લાએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, ઈરાન યુદ્ધની સ્થિતિમાં સંપૂર્ણ તાકાત અને નિષ્ઠુરતાથી ઈઝરાયલ પર બોમ્બમારો કરશે.નસરુલ્લાનું આ નિવેદન અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા વિવાદ પછી આવ્યું છે. હકીકતમાં તાજેતરમાં જ ખુલાસો થયો છે કે, ઈરાને તેમના પરમાણુ કાર્યક્રમને નક્કી કરેલી સીમા કરતા આગળ વધારી દીધો છે. તે વિશે અમેરિકા તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલાં ઈરાની સેનાએ અમેરિકાનું એક ડ્રોન તોડી પાડ્યું હતું. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ત્યારપછી ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાનો આદેશ આપ્યો હતો અને તે પછી પરત લઈ લેવામાં આવ્યો હતો.
હિઝબુલ્લાને ઈરાન તરફથી સૈન્ય ટ્રેનિંગ, હથિયાર અને આર્થિક મદદ મળતી રહી છે. આ સિવાય સીરિયાની અસદ સરકાર પણ તેનું સમર્થન કરે છે. બીજી બાજુ ઈઝરાયલને બંને દેશો સાથે તણાવ છે. નેતન્યાહૂ સરકારનો આરોપ છે કે, ઈરાન તે સિવાય સીરિયાની જમીનનો ઉપયોગ કરે છે અને અસદ સરકાર તેને સંપૂર્ણ સુરક્ષા આપે છે.