Face Of Nation:અમદાવાદઃ હાલ ઓલપાડ, ખંભાત, સુરત, ભરૂચ, ઉમરપાડામાં બારેમેઘ ખાંગા થયા છે. આ ભારે વરસાદ વચ્ચે ગુજરાત સરકારે વડોદરા, સુરત, ભરૂચમાં આગામી 36 કલાક સુધી હાઈ એલર્ટ જાહેર કરી પ્રજાજનોને ભોજન-પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની સલાહ આપી છે. આગામી બે દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરના વરસાદના આંકડા મુજબ, આજે સવારના 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં સુરતના ઓલપાડમાં 301 મિમિ એટલે કે 12 ઈંચ, આણંદના ખંભાતમાં 337 મિમિ એટલે કે 13.5 ઈંચ, જ્યારે સુરતના ઉમરપાડામાં 210 મિમિ એટલે કે 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં ખંભાતમાં બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં જ 179 મિમિ એટલે કે બે કલાકમાં જ 7 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના ઓલપાડમાં સવારના 8થી 10 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ 209 મિમિ એટલે કે 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.આ ઉપરાંત ધરમપુરમાં 137 મિમિ, વઘઈ, 133 મિમિ, હાંસોટ 125 મિમિ, વાપી 120 મિમિ, માંગરોળમાં 116 મિમિ, કામરેજમાં 115 મિમિ, કપરાડામાં 115 મિમિ, સુરત શહેરમાં 114 મિમિ અને કપડવંજમાં 101 મિમિ વરસાદ વરસ્યો છે.રાજ્યના જળ સંપત્તિ વિભાગ મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 52 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 42 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 4 જળાશયો 100 ટકા એટલે કે સંપૂર્ણ, 7 જળાશયો 70 થી 100 ટકા તેમજ 15 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 57.08 ટકા ભરાયું છે.રાજ્યમાં હાલમાં 1,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 24,438, દમણગંગામાં 1,65,945, ઉકાઇમાં 44,937, શેત્રુંજીમાં 18,828, કરજણમાં 5,850, ઓઝત-વીઅર(વંથલી)માં 5,043, ઓઝત-વીઅરમાં 3,990, કડાણામાં 1,715, ઝુજમાં 1,567, વણાકબોરીમાં 1,500, વેર-2 માં 1,450, આજી-2માં 1,449, ઓઝત-2માં 1,288 અને આજી-3માં 1,194 ક્યુસેકનો સમાવેશ થાય છે.