Face Of Nation:પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના અપહરણ બાદ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરવાના અનેક બનાવો સામે આવતા રહે છે. આ મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન હાલ અમેરિકાના પ્રવાસે છે. આ વખતે જ અમેરિકાના 10 જેટલા સાંસદોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર લખ્યો છે. આ સાંસદો ઈચ્છી રહ્યા છે કે ટ્રમ્પ ઇમરાન ખાન સાથે આ મુદ્દે સીધી વાત કરે. આ દરમિયાન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક મૌલવીએ હિન્દુ છોકરીઓનું ધર્માંતરણ કરાવી રહ્યાની કબૂલાત કરી છે.
‘દૈનિક ભાસ્કર’ના રિપોર્ટ પ્રમાણે, મૌલવી અબ્દુલ ખાલિક મીથાએ સ્વીકાર કર્યો છે કે તે હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવવાનું અભિયાન ચલાવી રહ્યો છે. આ કામ ઘણા લાંબા સમયથી કરી રહ્યો છે. આગળ પણ આ કામ ચાલુ રાખશે. રિપોર્ટ પ્રમાણે મીથાએ એવો પણ દાવો કર્યો કે તેના નવ બાળકો પણ આ કામ કરશે. તેના વડવાઓ પણ આ કામ કરતા હતા.સિંધ પ્રાંત ધર્માંતરણનો સૌથી મોટો અડ્ડો : પાકિસ્તાનમાં તાજેતરના માનવાધિકાર રિપોર્ટ પ્રમાણે, સિંધ પ્રાંત ધર્માંતરણનો સૌથી મોટો અડ્ડો છે. ગત વર્ષે ફક્ત સિંધમાં જ હિન્દુ છોકરીઓના ધર્માંતરણના 1000 કેસ સામે આવ્યા હતા. આ કામ ધરકી શહેરમાં આવેલી ભરચૂંદી દરગાહમાં થાય છે. આ દરગાહનો મૌલવી મીથા છે. મીથાને વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકનો માનવામાં આવે છે.
ભાસ્કરના રિપોર્ટ મુજબ મીથા કહે છે કે, “હા, હું હિન્દુ છોકરીઓના ધર્માંતરણ માટે દરગાહમાં વ્યવસ્થા કરું છું. હું છોકરીઓને તેના ઘરેથી દરગાહ સુધી લાવવા માટે કોઈ ટીમ નથી મોકલતો. તેઓ પોતાની ઇચ્છાથી અહીં આવે છે. આ માટે હું તેમના નિકાહની વ્યવસ્થા કરું છું. મારા વડવાઓએ હિન્દુઓનું ધર્માંતરણ કરાવીને ઇસ્લામની સેવા કરી હતી. હું પણ આ મિશન પર છું, મારા બાળકો પણ મારા રસ્તે ચાલશે.” 78 વર્ષીય મૌલવી અબ્દુલ ખાલિક મીથા નવ બાળકોનો પિતા છે. પત્નીનું મોત થઈ ગયું છે. હવે તે લગ્ન કરવા માંગે છે. રિપોર્ટ પ્રમાણે મીથા કહે છે કે, “મારા અનુયાયીએ ઈચ્છી રહ્યા છે કે હું ફરીથી નિકાહ કરું. આ માટે હું મારા માટે દુલ્હન શોધી રહ્યો છું. મારી ઇચ્છા છે કે નવી બેગમ હિન્દુસ્તાનમાંથી હોય.”