Home Uncategorized આંદોલનોનો ઇતિહાસ : પાટીદાર અનામત બાદ હવે ક્ષત્રિય આંદોલન, બંનેનો ટાર્ગેટ સરખો,...

આંદોલનોનો ઇતિહાસ : પાટીદાર અનામત બાદ હવે ક્ષત્રિય આંદોલન, બંનેનો ટાર્ગેટ સરખો, માસ્ટર માઈન્ડ અમિત શાહ ?

Face Of Nation 15-04-2024 : ચૂંટણી ટાણે કે ચૂંટણીમાં લાભ લેવા માટે આંદોલનો ઉભા કરવામાં આવી રહ્યા છે અને આ આંદોલનો ખુદ સત્તા પક્ષમાં બેઠેલા કેટલાક નેતાઓના ઈશારે જ ઉભા થઇ રહ્યા હોવાનું લાગી રહ્યું છે. પાટીદાર અનામત બાદ હવે ક્ષત્રિય આંદોલને ગુજરાતને સમગ્ર ભારતમાં ચર્ચાનું સ્થાન બનાવી દીધું છે. જો કે આ બંને આંદોલનોનો ટાર્ગેટ એક સરખો હોવાનું લાગી રહ્યું છે. આંદોલનનો મુદ્દો ભલે ગમે તે હોય પણ તેની પાછળ રાજકીય નેતાનું કદ વેતરવાની રણનીતિ જ છે. આ બંને આંદોલનો પાછળ ભાજપના જ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે કે કેમ તે એક પ્રશ્ન છે. કેમ કે આંદોલનોના આ ગણિતના સરવાળાના અંતે કેટલીક બાબતો ઉભરીને સામે આવે છે તે બાબતો આંદોલન પાછળ અમિત શાહ હોવાનો ઈશારો કરે છે.
સર્વ પ્રથમ વાત કરીએ તો આજદિન સુધી ગુજરાતમાં વિરોધ પક્ષ કે કોઈ એક વ્યક્તિએ સત્તા પક્ષના વ્યક્તિની સીધી કે આડકતરી મદદ વિના કોઈ જ સફળ આંદોલન ઉભું કર્યું નથી. સત્તા પક્ષના વ્યક્તિની મદદ જોવામાં આવે તો ભાજપમાં હાલ નરેન્દ્ર મોદી એક એવા મજબૂત નેતા છે કે, જે કોઈ નેતાની સામે પણ ઊંચી આંખ કરીને જુએ તો પણ તે નેતાનું બ્લડ પ્રેશર વધી જાય. માત્ર એક જ એવા નેતા છે કે જેને નરેન્દ્ર મોદીનો કોઈ ડર નથી કે તે નરેન્દ્ર મોદીને ગાંઠતા પણ નથી. નરેન્દ્ર મોદીની નજીક કોઈ આવે તે પહેલા તેનો રસ્તો કરવાનું પણ તેઓ બખૂબી જાણે છે અને તે છે એક માત્ર અમિત શાહ.
કેન્દ્રમાં રહેલા અને ગૃહમંત્રી પદે બેઠેલા ભાજપના નેતા અમિત શાહ કદાચ એવું ક્યારેય ઇચ્છતા નથી કે, ભાજપના રાજકારણમાં પોતાનાથી વધુ કોઈ આગળ નીકળી જાય અથવા નરેન્દ્ર મોદીની નજીક પહોંચી જાય. ભાજપના સર્વેસર્વા ભલે નરેન્દ્ર મોદી હોય પણ અમિત શાહ તેમના પોતાના ધાર્યા કામ પાર પાડે છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કહેવાય છે કે, અમિત શાહનો પુત્ર જય શાહ કોર્પોરેટર તરીકે પણ ચાલે તેમ નથી છતાં આજે BCCIનું પ્રમુખ પદ સંભાળે છે. આ વાત કડવી ચોક્કસ છે પણ સત્ય છે. રાજકારણમાં આવડત કે ભણતર જોવામાં આવતું નથી તે વાતની પણ જય શાહ સાક્ષી પુરે છે.
પાટીદાર અનામત આંદોલન હોય કે આજે ચાલી રહેલું ક્ષત્રિય આંદોલન. આ બંને આંદોલનોનો ભરપૂર ઉપયોગ રાજકીય દુશ્મનોની કારકિર્દી ધ્વસ્ત કરવા માટે જ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી પદે આંનદીબેનની નિમણુંક કરવામાં આવી ત્યારથી જ આ બાબત અમિત શાહને ખટકી હતી તે વાત સૌ કોઈ જાણે છે. તેવામાં આનંદીબેનની પકડ ગુજરાતમાં નરેન્દ્ર મોદીને માફક જ યથાવત રહી હતી અને કામકાજમાં પણ પાવર હતો તે જોતા આનંદીબેન નરેન્દ્ર મોદીની વધુ નજીક આવી જાય અને તેમના કાર્યની વાહવાહી થવા લાગે તે પહેલા તેમના વિરુદ્ધ તેમના જ સમાજને હાથો બનાવીને આંદોલન ઉભું કરી દેવામાં આવ્યું. આ આંદોલન આનંદીબેન પટેલની ખુરશી ખેંચીને શાંત પડી ગયું અને સમય જતા આંદોલનનો મુખ્ય ચહેરો ભાજપના શરણે થઇ ગયો.
હવે આજે ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનની વાત કરીએ તો પુરષોત્તમ રૂપાલા મોદીની ગુડ બુકમાં છે અને મોદીના વિશ્વાસુ મનાય છે. જે રીતે રુપાલાનું કદ કેન્દ્રીય નેતાગીરીમાં વધતું જઈ રહ્યું છે તેને અટકાવવા ક્ષત્રિયોના આંદોલનનો સહારો લેવામાં આવી રહ્યો છે. કેમ કે, ક્ષત્રિયોની જે જીદ છે તે સાવ ખોટી છે. પુરષોત્તમ રુપાલાનું નિવેદન ખોટું હતું. તેમને તે ભૂલ સમજાઈ અને જાહેરમાં બે હાથ જોડીને માફી પણ માંગી છતાં આજે ક્ષત્રિયો જે જીદ પકડીને બેઠા છે. તે જોતા ચોક્કસથી પ્રશ્ન થાય કે, ક્ષત્રિયોની જીદ ખરેખર સમાજની માંગના નામે રૂપાલાનું રાજકારણ પૂરું કરવાની છે ? ક્ષત્રિય આંદોલનના મુખ્ય ચહેરાઓ ભાજપી છે. પદ્મિની બા વાળા સહિતના મોટાભાગના લોકોએ ભાજપના પ્રચાર પ્રસાર કરવામાં એડીચોટીનું જોર લગાવ્યું છે. મોદીના રોડ શોમાં ભાજપનો ઝંડો હાથમાં લઈને ઉભા રહેતા પદ્મિની બા વાળા આજે સમાજના નામે ભાજપની વિરુદ્ધ થઇ જાય ? રૂપાલાએ ભૂલ કરી પણ તે પછી માફી પણ માંગી છે. હવે માફી નહિ આપીને તેમને હટાવવાની જ એક જીદ એ રાજકીય ગેમ પ્લાનની ચાડી ખાય છે. આજની રાજકીય પરિસ્થિતિ જોતા સત્તા સ્થાને બેઠેલા જ કોઈ નેતાના સહકાર વિના આ આંદોલન ઉભું થઇ જાય તે વાત માન્યામાં આવે તેમ નથી. પાટીદાર અનામત આંદોલન આનંદીબેન પટેલ માટે, જયારે આજે ક્ષત્રિય આંદોલન પુરષોત્તમ રૂપાલા માટે ઉભું થયું હોય તેવી પણ અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. પાટીદાર અનામત આંદોલને તો અમિત શાહને જનરલ ડાયરની ઉપમા આપી હતી અને એ જ અમિત શાહ આજે પાટીદારોના ગઢમાં જંગી બહુમતીથી જીતશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે આ દાવો સાચો સાબિત ઠરશે તેમ કહેવામા કોઈ બે મત પણ નથી કેમ કે અમિત શાહ એક અઠંગ રાજકારણી છે. જે શામ, દામ અને દંડનો ઉપયોગ કરવામાં પાવરધા છે. આજે પણ ગુજરાતના મોટા ભાગના પોલીસ અધિકારીઓ અમિત શાહની જી હજુરી કરે છે અને તે કહે તેમ જ તે કરે છે.
ચૂંટણી ટાણે ઉભા થતા આંદોલનો સત્તા પક્ષના જ કોઈ નેતાની પડદા પાછળની ભૂમિકા વિના ક્યારેય સફળ થતા નથી. પ્રજા પણ આવા આંદોલનોનો હાથો બનીને રાજકીય વ્યક્તિઓની ગેમ સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રજા જો જાગૃત નહિ થાય તો રાજકીય લોકો તેમની મુરાદો પાર પાડવા સમયાનુસાર અને ઇચ્છાનુસાર પ્રજાનો ઉપયોગ કરતા રહેશે અને ભોગવવાનું અંતે પ્રજાના હિસ્સે આવશે. હાલમાં ગુજરાત અને ભારતમાં ભાજપનું એકહથ્થુ શાસન તંત્ર ઉપર મજબૂત પકડ જમાઈ ચૂક્યું છે તેવામાં સત્તાની ઈચ્છા વિરુદ્ધ કોઈ માઈનો લાલ ઉભો થઇ શકે તેમ નથી. તેવામાં જોવું રહ્યું કે ખરેખર ક્ષત્રિય આંદોલન ફરી એક વાર રાજકીય ગેમ પ્લાન સફળ બનાવશે ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).