Face Of Nation, 10-08-2021 : વિજય રૂપાણી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી બસ જાણે કે, તેમને માથે લોકોમાં “સંવેદનશીલ મુખ્યમંત્રી”ની છાપ ઉભી કરવાનું એક ભૂત સવાર થયું છે. જો કે ગુજરાતમાં જ બનતી કેટલીક ઘટનાઓ મુખ્યમંત્રીને રીતસર જાણે કે કહી રહી છે કે તમારી જાતને કે સરકારને સંવેદનશીલ તરીકે ઓળખાવવાની કોઈ જરૂરિયાત નથી. લોકોને કહેવા દો કે અમારા નેતા સંવેદનશીલ છે, તમે પ્રચાર કરીને કહો કે અમે સંવેદનશીલ, અમે સંવેદનશીલ એમાં કાંઈ સંવેદનશીલ નથી થઇ જવાતું. ગુજરાતમાં બનતી કેટલીય ઘટનાઓ સરકારની સંવેદના ઉપર સવાલ ઉભા કરે છે. તાજેતરમાં જ સારવારના અભાવે એક બાળકના મોત અને તેના માતાપિતાએ સારવાર માટે ફાળો ઉઘરાવવાની કરવી પડેલી કામગીરી સરકારના સંવેદનશીલ હોવાના દાવાને પોકળ સાબિત કરે છે.
ખૂબ જ ગંભીર બીમારીથી પીડાતા ગુજરાતના કોડીનારના વિવાન વાઢેરનું અમદાવાદ ખાતે અચાનક નિધન થયું હતું. ગઈકાલે સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે વિવાનનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. વિવાનના નિધન સાથે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા મિશન વિવાનનો પણ અંત આવ્યો છે. વિવાનના પિતાના જણાવ્યા પ્રમાણે, વિવાનની અંતિમ ક્રિયા ગામડે કરવામાં આવી છે. તેમણે વિવાનને બચાવવા મદદ કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. વિવાનની સારવાર માટે એકઠી થયેલી તમામ રકમ સેવાકીય કામ પાછળ વાપરવામાં આવશે. વિવાનને બચાવવા માટે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર હતી. જેના માટે મિશન વિવાન હેઠળ ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો હતો. અનેક લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે વિવાનને બચાવવા માટે દાન આપ્યું હતું.
છેલ્લા ચાર મહિનાથી માત્ર ચાર મહિનાની ઉંમરના વિવાનને બચાવવા માટે વિવાન મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત વિવાનની સારવાર માટેનો ખર્ચ એકઠો કરવામાં આવી રહ્યો હતો. સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર સામે અત્યારસુધીમાં મિશન દ્વારા 2 કરોડથી વધુની રકમ ભેગી કરી હતી. જો કે સંવેદનશીલ સરકાર હોવાની જાહેરાતો અને કાગારોળ મચાવતી આપણી નમાલી નેતાગીરીની પોલ આજે ઉઘાડી પડી ગઈ છે. સારવારના અભાવે જે દેશના નાગરિકને મોતના દરવાજે પહોંચવું પડે તે દેશની સરકારે ક્યારેય સંવેદનશીલતાના નારા ન પોકારવા જોઈએ. ભારત એક એવો દેશ બનતો જઈ રહ્યો છે જ્યાં મનુષ્યના મોતની કોઈ કિંમત જ નથી. સરકારને નાગરિકોના સ્વાસ્થ્યની કોઈ પડી જ નથી તેવું લાગી રહ્યું છે. જે દેશમાં સારવાર માટે ફાળો એકત્રિત કરવો પડે તે દેશની સરકાર ઉત્સવો માટે કરોડો ખર્ચી નાખે પણ સારવાર માટે એક રૂપિયો ન ખર્ચી શકે તો તેના માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ પેદા થાય છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
વિવાનનાં માતા-પિતા તેને બચાવવા માટે સતત લોકોને મદદ કરવા માટે અપીલ કરી રહ્યાં હતાં. જોકે રૂપિયા 16 કરોડ એકઠા થાય એ પહેલાં જ વિવાનનું અચાનક નિધન થયું હતું. વિવાન એસએમએ ટાઇપ-1 એટલે કે સ્પાઇનલ મસ્ક્યુલ એટ્રોફી (SMA-1) નામની ગંભીર બીમારીથી પીડિત હતો.
ગુજરાતના બીજા એક બાળક ધૈર્યરાજને પણ આવી જ બીમારી હતી. ધૈર્યરાજ માટે પણ રૂપિયા 16 કરોડ એકઠા કરવા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 16 કરોડ એકઠા થયા બાદ મુંબઈની હૉસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
Home Uncategorized પુત્રની સારવાર માટે માતાપિતાએ ફાળો ઉઘરાવવા મજબુર થવું પડ્યું અને સરકાર સંવેદનશીલ...