Face Of Nation : કોરોનાને લઈને જાહેર કરવામાં આવેલા લોકડાઉને ગરીબો અને મજુર વર્ગની હાલત દયનીય બનાવી દીધી છે. સોલા સાયન્સસિટીમાં સેવા માટેના મેસેજો ફરતા કરનારા રાજકારણીઓને કે કહેવાતા સામાજીક કાર્યકરોને આવા ગરીબો નજરે ચઢી રહ્યા નથી. ફેસ ઓફ નેશનના પત્રકાર જયારે સોલા શુકન મોલ પાસેથી પસાર થતા હતા ત્યારે હાલ ચાલી રહેલા વાતાવરણને લઈને સુમસામ રસ્તાઓ ઉપર બેઠેલી બે મહિલાઓ સાથે વાતચીત કરી હતી. આ બે મહિલાઓના જણાવ્યા મુજબ, તેઓ ભિક્ષુક વૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની ઉંમરના 60 વર્ષમાં તેઓએ ક્યારેય આવા દિવસો જોયા નથી. એક મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી જમવાનું મળતું નથી કોઈ ભિક્ષા માંગવા સોસાયટીમાં ઘુસવા દેતા નથી. જેથી હવે આ લીમડાના મોર લઈને વેચવા બેસીએ છીએ. કોઈ લઈ જાય તો તે પૈસાથી કરીયાણુ-શાકભાજી લઈને સાંજે પેટ ભરી લઈએ છીએ અને તેમાં વધે તે બીજા દિવસે સવારે ખાઈ લઈએ છીએ. રોજના 40 થી 50 રૂપિયા મળી જાય છે કેમ કે કોઈ આ લીમડાના મોર પણ લેવા આવતું નથી. આખો દિવસ આમ બેસીને ખાવાનું મળે તેટલા પૈસા મળશે કે કેમ તેની ચિંતામાં દિવસ પસાર કરી લઈએ છીએ. આ બે મહિલા જેવા અનેક લોકો સમગ્ર ગુજરાતમાં હશે કે લોકડાઉનના લીધે તેઓને ભૂખ્યા સુઈ જવાનો વારો આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં જો નોંધપાત્ર કહી શકાય તેવી કોઈ કામગીરી હોય તો તે પોલીસતંત્રની છે કે જેઓ ગરીબોને અનાજ-કરીયાણું અને જમવાનું પુરુ પાડી રહ્યા છે.