- સ્થાનિક કોર્પોરેટરોના પણ આંખ આડા કાન
- ભ્રષ્ટાચારી અધિકારીઓના પાપે બિલ્ડરોને બખ્ખા
Face Of Nation : ગોતાના દેવનગરમાં ગામતળની જગ્યા ઉપર કેટલાક લોકો દ્વારા ગેરકાયદે શેડ ઉભા કરી દેવામાં આવ્યા છે. આ શેડ ગેરકાયદે હોવાની કોર્પોરેશનને ખબર પડી અને નોટીસો આપી દીધી. જો કે બિલ્ડર ઉપર નોટીસોની કોઇ પણ પ્રકારની અસર દેખાઇ નહીં પરીણામે ગેરકાયદે ઉભા કરેલા શેડનો વપરાશ પણ ધમધોકાર શરૂ થઇ ગયો.
ગોતા એસ.જી હાઇવે ઉપર આવેલા શંકુ ફાર્મના પાછળના ભાગે કેટલાક બિલ્ડરોએ ભેગા મળીને ગામતળની જગ્યા ઉપર ગેરકાયદે મોટા શેડ ઉભા કરી દીધા છે. આ બાબતની જાણ કોર્પોરેશનને થતા અધિકારીઓએ નોટીસો આપવાના નાટકો કર્યા છે પંરતુ આજદીન સુધી તેના વપરાશ ઉપર સીલ કરવાની કાર્યવાહી કરી નથી. અધિકારીઓ માત્ર નોટીસો આપે છે બીજી બાજુ બિલ્ડર બિંદાસ્ત પણે શેડ બનાવવાની કામગીરી ચાલુ રાખે છે અને તેને ભાડે પણ આપી દે છે, તેનો વપરાશ પણ શરૂ થઇ જાય છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરની ભ્રષ્ટાચારી મિલીભગતની ગંધ આવી જાય છે. છેલ્લા ઘણા સમયથી આ બાંધકામ ચાલી રહયું હતું ત્યાં સુધી કોર્પોરેશને માત્ર નોટીસો આપે રાખી અને બાંધકામ પુરૂ થઇ ગયું ત્યારે હવે બિલ્ડરે તેનો વપરાશ પણ શરૂ કરી દીધો છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઇ રહયું છે. જાણે કે અધિકારીઓને પ્રોટેકશન મની મળી ગઇ હોય તેમ બિલ્ડરને છાવરવામાં આવી રહયા હોય તેમ લાગી રહયું છે. શેડ ભાડે આપીની તેનો વપરાશ પણ ધમધોકાર શરૂ કરી દેવામાં આવ્યો હોવા છતાં તંત્ર આ સમગ્ર મામલાને નીહાળી રહયું છે.
જો કોર્પોરેશન એવી ડંફાસ મારી રહયું હોય કે, અમે કાર્યવાહી કરીએ જ છીએ પરંતુ બિલ્ડર તેની અવગણના કરે છે ત્યારે કોર્પોરેશન તંત્ર અને અધિકારીઓ બંન્ને માટે આ શરમજનક બાબત કહેવાય. કારણ કે, આવી બાબતો ઉપરથી સ્પષ્ટ થાય છે કે, ગેરકાયદે કામો કરનારાને તંત્રનો ડર રહયો જ નથી. પોલીસ તંત્ર હંમેશા બુટલેગરો પ્રત્યે કુણુ વલણ દાખવતું હતું કારણ કે ત્યાંથી તેઓને હપ્તા મળી રહેતા હતા. જો કે એક સમયે એવી પરિસ્થીતી આવી કે, બુટલેગરોને પોલીસનો ડર જ ન રહયો અને પોલીસ ઉપર હુમલા કરવા લાગ્યા. આ બાબત ઘણી ગંભીર હતી. તેવી જ રીતે હવે કોર્પોરેશનમાં પણ એક સમય એવો આવશે કે, વોર્ડ ઇન્સ્પેકટરો કે અધિકારીઓને ગેરકાયદે બાંધકામ કરનારાઓ ગાંઠશે નહીં અને મારશે. હાલ ગોતામાં ઉભા થયેલા આ ગેરકાયદે શેડમાં પ્રેરક શાહની શંકાસ્પદ ભૂમિકા જણાઇ રહી છે. આ ગેરકાયદે શેડ ઉભા થયા ત્યાં સુધી પ્રેરક શાહ શું સુઇ રહયા હતા ? આ ગેરકાયદે શેડનો વપરાશ થઇ રહયો છે ત્યારે શું તે પણ પ્રેરક શાહને દેખાઇ રહયું નથી ? શું પ્રેરક શાહ જ બિલ્ડરોને પ્રોત્સાહીત કરી રહયા છે ? આવા અનેક સવાલો ઉભા થાય તે સ્વાભાવિક છે. કે પછી તેમના સિવાય કોઇ અધિકારીની સંડોવણી છે ?
આ ફોટાઓ સ્પષ્ટ ચાડી ખાય છે કે, કોર્પોરેશન અને બિલ્ડરની મિલીભગત છે, જેના કારણે જ આ ગેરકાયદે શેડનો આજે બિંદાસ્ત પણે વપરાશ થઇ રહયો છે. કોર્પોરેશનની આટ આટલી નોટીસો છતાં જો કોઇ ફરક ન પડતો હોય તો તે બાબત સ્પષ્ટ બની જાય છે કે કોર્પોરેશનના અધિકારીઓએ બિલ્ડર સાથે મળીને સાંઠગાંઠ કરી લીધી છે અને તેથી જ કોર્પોરેશનની નોટીસોની બિલ્ડર ઉપર કોઇ પણ પ્રકારની અસર પડી રહી નથી. આ સમગ્ર બાબતે ઉત્તર પશ્વિમ ઝોનના કોર્પોરેશનના અધિકારી પ્રેરક શાહ શંકાસ્પદ ભૂમિકામાં નજરે ચઢી રહયા છે. કેમ કે, ખુદ પ્રેરક શાહે માત્ર કાગળ ઉપર નોટીસો આપીને બિલ્ડર વિરૂધ્ધ કાર્યવાહી કર્યાનો સંતોષ માની લીધો છે પરંતુ હકીકત કંઇક જુદી જ હોય તેમ લાગી રહયું છે. બિલ્ડર અને પ્રેરક શાહની મિલીભગત હોવાનું પણ દેવનગર વિસ્તારમાં ચર્ચાઇ રહયું છે પરંતુ આ એક વિજીલન્સ તપાસનો વિષય છે કે કોર્પોરેશનની નોટીસો બિલ્ડરને ગંભીર કેમ નથી લાગતી ? આ સમગ્ર કાંડ પાછળ ક્યાંક ખુદ પ્રેરક શાહની સંડોવણીતો નથી ને ?