Home Uncategorized ભારતનું પુતિનને સમર્થન મોંઘું પડશે? જર્મની ભારતને G-7 મીટિંગથી દૂર રાખવાનો પ્રયત્ન...

ભારતનું પુતિનને સમર્થન મોંઘું પડશે? જર્મની ભારતને G-7 મીટિંગથી દૂર રાખવાનો પ્રયત્ન કરે તેવી શક્યતા!

Face Of Nation 13-04-2022 : યુક્રેન-રશિયા વિરુદ્ધ છેલ્લાં દોઢ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન NATO સહિત ઘણાં દેશોએ રશિયાનો વિરોધ કર્યો છે. અમેરિકાએ તો રશિયા પર વેપાર સહતિ ઘણાં પ્રતિબંધો પણ લગાવ્યા છે. પરંતુ આ સમગ્ર સમય દરમિયાન ભારતે ક્યારેય રશિયાનો વિરોધ કર્યો નથી કે પુતિન વિરુદ્ધ કોઈ મત આપ્યો નથી. જોકે ભારતે તેના આ વર્તનની આગામી સમયમાં લાંબી કિંમત ચૂકવવી પડે તેવુ લાગે છે. યુક્રેન પર હુમલા વિશે રશિયા વિરુદ્ધ એક શબ્દ ના બોલવાના કારણે જર્મની ભારતને G-7 મીટિંગથી દૂર રાખવાનો પ્રયત્ન કરે તેવી શક્યતા છે. બ્લુમબર્ગ સાથે જોડાયેલા સૂત્રો દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં આ વિશે દાવો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે G-7 મીટિંગમાં જર્મની સેનેગલ, દક્ષિણ આફ્રિકા અને ઈન્ડોનેશિયાને ગેસ્ટ તરીકે સામેલ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે આ ગેસ્ટ લિસ્ટ યુક્રેન યુદ્ધ પહેલાં તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ભારત પણ સામેલ હતું. પરંતુ હવે આ લિસ્ટમાં ફેરવિચારણાં કરવામાં આવી રહી છે. જોકે આ દરમિયાન અમુક મીડિયા રિપોર્ટમાં જર્મન સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ભારત વિશે આવો કોઈ વિચાર નથી.
ટૂંક સમયમાં ગેસ્ટ લિસ્ટ તૈયાર કરીશું
બ્લુમબર્ગ સાથેની વાતચીતમાં જર્મન સરકારના પ્રવક્તા સ્ટેફેન હેબેસ્ટ્રેટે કહ્યું છે કે, ટૂંક સમયમાં જ G-7નું ગેસ્ટ લિસ્ટ ફાઈનલ કરી દેવાશે. તેમણે કહ્યું છે કે, અમારા ચાન્સેલરે વારંવાર કહ્યું છે કે, જર્મનીના વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય ભાગીદારો રશિયા વિરુદ્ધ પ્રતિબંધો લગાવે. ભારત સરકાર તરફથી આ વિશે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે જર્મની પોતેજ યુક્રેન અને પોલેન્ડની નિંદાનો ભોગ બની રહ્યું છે.
ભારત માટે કેમ છે ખાસ
2020માં આયોજીત કરવામાં આવેલી G-7 સમિટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા અને રશિયાને આ સમિટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. તેમણે આ સંગઠનને G-7માં G-10 અથવા G-11 કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ટ્રમ્પનું માનવું હતું કે, દુનિયાની અર્થવ્યવસ્થામાં ભારતનું ઘણું યોગદાન છે. તેથી ભારતને આ સંગઠનમાં સામેલ કરવું જોઈએ. તે ઉપરાંત ભારતે આગામી વર્ષોમાં અર્થવ્યવસ્થા વધારીને 5 ટ્રિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેથી પણ તે G-7 દેશોમાં સામેલ થઈ શકે છે. જેથી ભારતીય ઉદ્યોગોને યુરોપીય બજારોનો પણ લાભ મળી શકે.
G-7 રશિયા સામે કડક પગલાં લેવા તૈયાર
G-7ના વિદેશ મંત્રીઓએ એક બેઠક કરીને રશિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, યુક્રેનમાં જે પણ યુદ્ધ અપરાધ કરવામાં આવ્યા છે તે માટે દરેક દોષિતનો આરોપ નક્કી કરવામાં આવશે. તે વાત ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે કે, રશિયા દ્વારા કોઈ પણ કારણ વગર માત્ર ઉશ્કેરવાના હેતુથી યુક્રેન સામે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઘણાં નિર્દોષ લોકોના જીવ ગયા છે અને લાખો લોકોએ તેમના ઘર-દેશ છોડવો પડ્યો છે.
યુક્રેનના ઘણાં નાગરિકોએ મોલડોવમાં શરણ લીધી
માર્ચ મધ્યમાં થયેલી આ બેઠકમાં G-7 દેશો દ્વારા રશિયાને ચેતવણી આપવામાં આવી છે કે, તે તુરંત ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નિર્ણયનું પાલન કરે જેમાં યુદ્ધ રોકવાની વાત કરવામાં આવી છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે, રશિયા યુક્રેનમાંથી શક્ય હોય તેટલી વહેલી તેની સેનાને પરત બોલાવી લે. એ વાત ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે કે, G-7 દ્વારા રશિયા પર કડક પ્રતિબંધો લગાવવામાં આવે અને મોલડોવ જેવા દેશને સહાય કરવામાં આવે. કારણકે અત્યારે યુક્રેનના ઘણાં નાગરિકોએ મોલડોવમાં શરણ લીધી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).