Face Of Nation, 20-11-2021: વિવિધ શહેરોમાં યોજાઈ રહેલા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમો વિવાદમાં આવી રહ્યાં છે. તાજેતરમાં રાજકોટના સ્નેહ મિલન કાર્યક્રમની પત્રિકામાંથી અનેક દિગ્ગજ નેતાઓના નામ ગાયબ થયા હતા. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં પણ રાજકોટ જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં અમદાવાદના મેયરનું નામ જ પત્રિકામાંથી કપાયુ છે. એ સિવાય ઢગલાબંધ નેતાઓના નામ પત્રિકામાંથી ગાયબ દેખાયા હતા. જે અંગે વિવાદ થતા નવી પત્રિકા છાપવાની ફરજ પડી હતી.
ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર છે તેવા આક્ષેપો સતત ઉઠી રહ્યાં છે. એક તરફ આજે રાજકોટમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે પહેલાથી જ રાજકીય ચર્ચાનો વિષય રહ્યો છે. રાજકોટમાં આંતરિક જૂથવાદ સામે આવ્યુ છે. ત્યારે રાજકોટ બાદ હવે અમદાવાદમાં ભાજપ પક્ષમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર ભાજપ દ્વારા રવિવારે સાંજે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત અનેક સાંસદો અને દિગ્ગજ નેતાઓના નામ પત્રિકામાંથી ગાયબ થયેલા જોવા મળ્યા.
પત્રિકામાં મેયરનું નામ જ ગાયબ થતા કેટલાક નેતાઓમાં ગણગણાટ શરૂ થયો હતો. ભારે ચર્ચા ઉઠી છે કે, મેયર અને સિનિયર નેતાઓની કેટલાક નેતાઓ દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. સ્નેહમિલનના પત્રિકામાં પહેલા માત્ર મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અતિથી તરીકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અતિથી વિશેષ તરીકે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર અને રાજયકક્ષાના મંત્રી જગદીશ પંચાલનું જ નામ હતું. પરંતુ વિવાદ બાદ નવી પત્રિકા છપાવાઈ હતી. જેમાં પાછળથી મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ કરાયા હતા. તો પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, અમદાવાદ મેયર કિરીટ પરમાર, અમદાવાદ પશ્ચિમ લોકસભા સાંસદ ડો. કિરીટ સોલંકી અને અમદાવાદ પૂર્વ લોકસભા સાંસદ હસમુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટ શહેર ભાજપના સ્નેહલમિલનની પત્રિકામાં દિગ્ગજ ધારાસભ્યો અને સાંસદોના જ નામ ગાયબ થયા હતા. રામભાઈ મોકરિયા, મોહન કુંડારિયા અને MLA ગોવિંદ પટેલનું નામ પત્રિકામાં લખાયુ જ ન હતું. સત્તામાં બેઠેલા સિનિયર નેતાના નામ અદ્રશ્ય થતાં વિવાદ વકર્યો હતો. જોકે, બીજી તરફ, પૂર્વ CM રૂપાણી, કેબિનેટ મંત્રી અરવિંદ રેયાણીનું નામ પત્રિકામાં મૂકાયુ હતું. રાજકોટની પત્રિકામાં નામ ગાયબ થતા વિવાદ વધતા બાદમાં મોરબીની પત્રિકા નવી છપાવાઈ હતી, અને ધારાસભ્યો, સાંસદોના નામનો ઉલ્લેખ કરાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)