Face Of Nation:આણંદના ત્રણ ગુજરાતી યુવાનો રોજગારી માટે મલેશિયા તો ગયા પણ ખરાબ રીતે સપડાઈ ગયા.. મલેશિયામાં એજન્ટ દ્વારા જ તેમને બંધક બનાવવામાં આવ્યા હતા. જો કે હાલ સંસદસભ્યએ ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરીને આ ત્રણેય યુવાનોને મુક્ત કરાવ્યા છે . હાલ આ ત્રણેય યુવાનો ઈન્ડિયન એમ્બેસીમાં સલામત છે અને બે-ત્રણ દિવસમાં તેમને ભારત મોકલી દેવાશે.
આણંદના બોરસદ તાલુકાના પપળી ગામના ત્રણ યુવાનોને એજન્ટ દ્વારા કારમાં બંધક બંનાવી, મારવાની ધમકી આપવામાં આવી હતી. જો કે આ યુવાનોએ વીડિયો દ્વારા પરિવારને બંધક બનાવ્યા હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ પરિવારજનોએ આણંદના સંસદસભ્ય મિતેશ પટેલ પાસે મદદ માટે આજીજી કરી હતી.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, પપળી ગામના ત્રણ યુવાનો એક વર્ષ પહેલા રોજગારી માટે મલેશિયા ગયા હતા, જેમને મલેશિયામાં એજન્ટ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હોવાનો વીડિયો યુવાનો દ્વારા પરિવારને મળતા ત્રણેય યુવાનના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જે વીડિયો મોકલવામાં આવ્યો હતો તેમાં યુવાનો કહી રહ્યા છે કે, અમને ત્રણ લોકોને એજન્ટ દ્વારા બે-ત્રણ કલાકથી ગાડીમાં બંધક બનાવ્યા છે. તેઓ ગાડીમાં અમને આમ તેમ ફેરવ્યા કરે છે. અમને ત્રણ મહિનાથી પગાર પણ નથી આપવામાં આવ્યો, અમારે ભારત આવવું છે.