Face Of Nation : અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી અમિત વિશ્વકર્મા તેમના તોછડાઈ ભર્યા વર્તનને લીધે અવારનવાર વિવાદમાં રહ્યા છે. આઇપીએસ અધિકારીઓને ટ્રેઇનિંગ દરમ્યાન લોકો સાથે કેવું વર્તન કરવું તે અંગે પણ શીખવવામાં આવે છે. જો કે આ શિખામણનો એક પણ ગુણ અમિત વિશ્વકર્મામાં જણાતો ન હોય તેવું લાગી રહ્યું છે. સત્તાને સમર્પિત થતા આઇપીએસ તેમની નૈતિકતાનું પણ અધઃપતન કરતા થઈ ગયા છે, જે ખુબ જ શરમજનક બાબત છે.
તાજેતરમાં એક પત્રકાર સાથે દાદાગીરી કરનારા આઇપીએસ અમિત વિશ્વકર્માએ આઇપીએસ શબ્દના લીરેલીરા ઉડાડી દીધા છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં બનેલી એક ઘટના સંદર્ભે પત્રકારે આઇપીએસ અધિકારી અમિત વિશ્વકર્માનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. જો કે તેમને ફોન ન ઉપાડતા તેઓને પત્રકારે પોતાની ઓળખ આપીને વસ્ત્રાપુરમાં બનેલી ઘટના સંદર્ભે વાતચીત કરવાનું જણાવ્યું હતું ત્યારબાદ આ આઇપીએસે ફોન લગાવી પત્રકારને ખખડાવી નાખ્યા હતા. એક આઇપીએસ અધિકારીએ લુખ્ખાગીરીની જેમ વાતચીત કરતા પત્રકારને ઉઠાવી લેવાની અને જોઈ લેવાની ધમકી આપી હતી. અહીં એ સવાલ ઉભો થાય છે કે, જો પત્રકાર સાથે આઇપીએસ આવું વર્તન કરતા હોય તો આ અધિકારીઓ પ્રજાને તો શું સમજતા હશે. પ્રજાને તો ગાંઠતા જ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, તે સમયે પોલીસ કમિશનર એ.કે.સિંહ રજા ઉપર હોવાથી સીપીનો ચાર્જ અમિત વિશ્વકર્મા પાસે હતો અને તેના રુઆબે તેમને આઈપીએસની નૈતિકતા ભુલાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે.
અમદાવાદનું પત્રકાર જગત એટલું વામણું છે કે સરકારી અધિકારીઓને પત્રકાર સાથે મનફાવે તેમ વર્તન કરવાનું અને તેની ઉપર હુમલો કરવાની ફાવટ આવી ગઈ છે. અમદાવાદના પત્રકારોમાં એકજૂથતા ન હોવાનો લાભ દરેક સરકારી અધિકારીઓ લઈ રહ્યા છે તેમ કહેવામાં કોઈ બે મત નથી કારણ કે, જયારે કોઈ પત્રકાર સાથે આવી ઘટના ઘટે છે ત્યારે સામેના વ્યક્તિની જીહજૂરી કરનાર પણ પત્રકાર જ હોય છે પરીણામે ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આઇપીએસ અમિત વિશ્વકર્માને તેમની વર્દી અને તેમના આઇપીએસ હોવાનો પાવર હોય પરંતુ તે આમ પ્રજા ઉપર અને પત્રકાર ઉપર ક્યારેય ન હોવો જોઈએ. સરકારની ચાપલુસી કરનારા અધિકારીઓને હંમેશા સરકાર છાવરે છે અને તેથી જ અધિકારીઓના આવા વર્તન હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અમિત વિશ્વકર્માએ કરેલું વર્તન અત્યંન્ત શરમજનક છે. જો આમ જ આઇપીએસ અને આઈએએસ વર્તન કરતા થઈ જશે તો આઈપીએસ અને આઈએએસ શબ્દની ગરીમાનો નાશ થઈ જશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. પત્રકારોમા રહેલી એકબીજાના ટાંટિયા ખેંચવાની નીતિથી જ આવા અધિકારીઓ હાવી થઈ ગયા છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.