Face of Nation 10-02-2022 : સામાન્ય દિવસોમાં સંધનાં વડા હમેંશા પોતાની જાત અને સંધ બનેં હાલના સમયમા ધર્મ નિરપેક્ષતાના આયામો સાથે આગળ વધી રહ્યા હોવાનો દાવો કરતા જોવા મળે છે. ત્યારે હાલ કેમ ભાગવતજીએ પોતાનો સૂર ફરી ફેરવી હિન્દુવાદ તરફ પ્રયાણ કર્યું છે. શું આનુ કારણ દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી છે એ તો નથી ને ?
“હિન્દુઓ એટલા સક્ષમ છે કે કોઈનામાં તેમના વિરુદ્ધ ઊભા રહેવાની તાકાત નથી. હિન્દુ સમાજ કોઈનો વિરોધી નથી. ભારતમાં હિન્દુઓનું હિત જ રાષ્ટ્રહિત છે અને તેને જ પ્રાથમિક્તા આપવી જોઈએ” આ વિધાનો છે સંધના સર્વેસર્વા એવા મોહન ભાગવતનાં. સંત શ્રી રામાનુજાચાર્યના સહસ્ત્રાબ્દી સમારંભમાં ભાગ લીધા પછી એક સભાને સંબોધન કરતાં મોહન ભાગવતે આ વાત કરી હતી.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે, આપણી પાસે એટલું સામર્થ્ય છે કે કોઈની પણ આપણી સામે ઊભા રહેવાની તાકાત નથી. તેમણે એમ પણ કહ્યું કે હિન્દુ સમાજ કોઈનો વિરોધી નથી. આપણું અસ્તિત્વ સદીઓથી ટકી રહ્યું છે અને આપણો વિકાસ થતો રહ્યો છે. જે લોકોએ ૧,૦૦૦ વર્ષ સુધી હિન્દુઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો, તે હવે દુનિયામાં અંદરોઅંદર લડી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, કેટલાક લોકોના ડરનું એકમાત્ર કારણ એ છે કે તેઓ ભૂલી ગયા કે તેઓ કોણ છે. તેમણે આપણને ખતમ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એવું થયું નહીં. આજે પણ ભારતના સનાતન ધાર્મિક જીવનને અહીં જોઈ શકાય છે. આટલા અત્યાચારો છતાં આપણી પાસે ‘માતૃભૂમિ’ છે. આપણી પાસે અઢળક સંશાધનો છે. તો આપણે શેનાથી ડરીએ છીએ? કારણ કે આપણે પોતાને ભૂલી જઈએ છીએ. આપણી નબળાઈનું કારણ એ છે કે આપણે જીવન પ્રત્યે આપણો સમગ્ર દૃષ્ટિકોણ ભૂલી ગયા છીએ.
ભાગવતે ઉમેર્યું હતું કે, હુમલાઓ અને ક્રૂર અત્યાચારોનો સામનો કરવા છતાં દેશમાં આપણી સંખ્યા આજે ૮૦ ટકા છે. દેશ પર શાસન કરનારા અને રાજકીય પક્ષોને ચલાવનારાઓમાં મોટાભાગના હિન્દુ છે. આ આપણો દેશ છે અને આજે પણ અહીં આપણા મંદિરો છે અને બની પણ રહ્યા છે. આપણી પરંપરાઓએ આપણને જે શીખવાડયું છે તે સ્થાયી છે. તેમણે કહ્યું કે સ્વયં, પરિવાર, પંથ, જાતિ, ભાષા અને અન્ય ઓળખના હિતોથી ઉપર ઉઠીને રાષ્ટ્રીય હિતને પહેલી પ્રાથમિક્તા આપવી જોઈએ. હિન્દુ હિત એટલે કે રાષ્ટ્રહિત અને તે જ પ્રાથમિક્તા હોવી જોઈએ. આ રીતે જ આપણે એક મજબૂત અને સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
https://www.youtube.com/watch?v=dhxLwdpguqU