Face Of Nation 30-04-2022 : બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે જેકલીન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની નજરમાં આવી હતી. EDએ જેકલીનની ઘણીવાર પૂછપરછ કરી હતી. હવે, EDએ જેકલીનની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ આ કાર્યવાહી ખંડણીના એક કેસમાં કરી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, જપ્ત કરેલી સંપત્તિમાંથી 7.12 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટના રૂપમાં છે. આ કેસમાં ED સહિત અનેક એજન્સીઓ તપાસ કરતી હતી. જેકલીનની જપ્ત કરેલી સંપત્તિમાં 5.71 કરોડની ગિફ્ટ્સ પણ સામેલ છે.
સુકેશે જેકલીનની માતાને પોર્શે કાર આપી હતી
સુકેશે જેકલીનને 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી હતી. સુકેશે જેકલીનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જીમ વેર, એક જોડી લુઇ વીટનના શૂઝ, બે જોડી હીરાની ઇયરરિંગ્સ, માણેકનું બ્રેસલેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસલેટ, 15 જોડી ઇયરરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં સુકેશે જેકલીનની માતાને પોર્શે કાર તથા 1.8 લાખ ડોલર આપ્યા હતા. સુકેશે ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલીનના ભાઈને 15 લાખ રૂપિયા આપ્યા હતા.
જેકલીન ફર્નાન્ડિઝ પાસે કરોડોની સંપત્તિ
જેકલીન પાસે કરોડોની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, જેકલીન પાસે અંદાજે 74 કરોડની નેટવર્થ છે. જેકલીન એક ફિલ્મ માટે અંદાજે 3-4 કરોડ રૂપિયા લે છે. 2019માં જેકલીનની વાર્ષિક આવક 9.5 કરોડ રૂપિયા હતી. નવાઈની વાત એ છે કે તે વર્ષે નેટફ્લિક્સ પર ફિલ્મ ‘ડ્રાઇવ’ સ્ટ્રીમ થઈ હતી અને બીજી કોઈ ફિલ્મ રિલીઝ થઈ નહોતી
સુકેશના કેસમાં જેકલીનનું નામ કેમ આવ્યું?
EDના અનુસાર, સુકેશ અને જેકલીન વચ્ચે જાન્યુઆરી 2021માં વાતચીત શરૂ થઈ. તિહાડ જેલમાં કેદ હોવા છતાં પણ સુકેશ ફોન પર જેકલીન સાથે વાત કરતો હતો. EDએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું છે કે જેકલીન ફર્નાન્ડિઝને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ્સ આપી હતી. સુકેશે એવો પણ દાવો કર્યો છે કે તે જેકલીન ફર્નાન્ડિઝ સાથે રિલેશનમાં રહ્યો છે.
જેકલીન ઉપરાંત અન્ય કોણ છે EDના નિશાન પર?
સુકેશે જેકલીન ઉપરાંત એક્ટ્રેસ નોરા ફતેહીને પણ અનેક મોંઘી ગિફ્ટ મોકલી હતી. આ કારણથી નોરાની પણ EDએ પૂછપરછ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાય છે કે નોરાને સુકેશે લગભગ એક કરોડ રૂપિયાની BMW અને એક આઈફોન ગિફ્ટ આપ્યો હતો. નોરાની 14 ઓક્ટોબરે EDએ પૂછપરછ કરી હતી. પૂછપરછમાં નોરાએ કહ્યું કે વર્ષ 2020માં તે એક ઈવેન્ટમાં ગઈ હતી. ચેન્નઈમાં થયેલી આ ઈવેન્ટમાં તેણે સુકેશની પત્ની અને એક્ટ્રેસ લીના પૉલને બોલાવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).