Home Uncategorized 3 દિવસ ઉત્સવો : ભગવાન જગન્નાથની નગરચર્યા; 1.50 કરોડનો લેવાશે વીમો, દર્શન...

3 દિવસ ઉત્સવો : ભગવાન જગન્નાથની નગરચર્યા; 1.50 કરોડનો લેવાશે વીમો, દર્શન માટે માસ્ક જરૂરી, 101 ટ્રક અને 2,000 જેટલા જોડાશે સાધુ-સંતો!

Face Of Nation 27-06-2022 : રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે. જેમાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુસંતો રથયાત્રામાં ભાગ લેવા આવશે. કોરોનાના કેસો વધ્યા હોવાથી લોકો માસ્ક પહેરી અને દર્શન કરવા આવે. મંદિરમાં પણ ત્રણ દિવસ ઉત્સવોમાં લોકો આવે ત્યારે માસ્ક પહેરીને આવે. રથયાત્રાનો રૂ. 1.5 કરોડનો વીમો લેવામાં આવશે.
ભગવાનનો મુગટથી લઈ તમામ વસ્ત્રો આજે મંદિરને સોંપાયા
આજે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે રથયાત્રામાં ત્રણ દિવસ યોજાતા ઉત્સવોમાં ભગવાન માટેના વાઘા રંગેચંગે વાજતે ગાજતે મંદિરમાં લાવવામાં આવ્યા હતા. 3 અલગ પરિવારો દ્વારા ભગવાનના વાઘાની યજમાની કરવામાં આવી છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત ફરે ત્યારે નેત્રોત્સવ, બીજા દિવસે સોનાવેશ, રથયાત્રાના દિવસે તેમજ રથયાત્રાના બીજા દિવસના ભગવાનના વાઘા તૈયાર કરાયા છે.ભગવાનનો મુગટથી લઈ તમામ વસ્ત્રો આજે મંદિરને સોંપવામાં આવ્યા છે. રથયાત્રાના દિવસે ભગવાનની મંગળા આરતીના વાઘા શહેર ભાજપ મહામંત્રી ભૂષણ ભટ્ટના પરિવાર દ્વારા આપવામાં આવ્યા છે.
ત્રણ દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે
મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે 29મી, 30મી જૂન, 1 જુલાઈ એમ 3 દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે. 29મી જુને જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી પરત આવશે. જેથી સવારે છ વાગ્યે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની ગર્ભગૃહમાં રત્ન વેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. 29મીએ સવારે 11 વાગ્યે દેશના વિવિધ રાજ્યો અને શહેરમાંથી આવેલા તમામ સાધુ-સંતોનો ભંડારો યોજાશે. ભંડારા બાદ તમામ સાધુ-સંતોને વસ્ત્રોનું દાન કરાશે.
મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા કરાશે
બીજા દિવસે અષાઢી સુદ એકમના 30મી જૂનના રોજ સવારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનો સોનાવેશ તેમજ શોડોષચાર પૂજન થશે. 10.45 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ગજરાજોનું પૂજન કરાશે. આ સમગ્ર કાર્યક્રમમાં જય અમિત શાહ હાજર રહેશે. બપોરે 12 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે ત્રણેય રથ નું પૂજન અને આરતી કરવામાં આવશે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. સાંજે 8 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).