Home Religion જમિયતપુરા મંદિર વિવાદ : આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદના ઈશારે નવા મહંતે રાતોરાત ચાર્જ સંભાળ્યો,...

જમિયતપુરા મંદિર વિવાદ : આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદના ઈશારે નવા મહંતે રાતોરાત ચાર્જ સંભાળ્યો, વિરોધમાં જાતિવાદ

Face Of Nation 25-05-2024 : કલોલ અડાલજ હાઇવે ઉપર આવેલા આરવર્લ્ડ સિનેમા સામેના પ્રભા હનુમાનજી મંદિરનો જમીનને મુદ્દે વિવાદ ઉભો થયો છે. આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ગઈ રાત્રે નવનિયુક્ત મહંત યજ્ઞપ્રકાશે મંદિરનો ચાર્જ સંભાળી લેતા નવો વળાંક આવ્યો છે સાથે જ વિરોધ કરનારાઓમાં જાતિવાદના નામે તડાં પડી ગયા હોવાની વાતો વહેતી થઇ છે. આ વિવાદ ઉભો થવા પાછળ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદનો નિર્ણય જવાબદાર છે. જેતલપુર સ્વામિનારાયણ મંદિરના મહંત પી.પી. સ્વામીના ઈશારે આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે જમિયતપુરા પ્રભા હનુમાનજી મંદિરને પડાવી લેવાનું ષડ્યંત્ર રચ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. ભાજપના નેતાઓનો અને પોલીસ અધિકારીઓનો સાથ મેળવીને આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે આ મંદિર પોતાની માલિકી હેઠળ આવી જાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે. જેનો વિરોધ જમિયતપુરા ગ્રામજનો દ્વારા કરવામાં આવતા રવિવારના રોજ એક રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અગાઉ આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદના ઈશારે શનિવારે રાતે જ જેતલપુરના પી.પી સ્વામીના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં સંતોએ આવીને તમામ વહીવટ મહંત યજ્ઞપ્રકાશે પોતાના હસ્તક લઇ જુના મહંત પાસેથી તિજોરી સહીત તમામ ચાવીઓ લઇ લીધી હતી.
થોડા સમય અગાઉ જમિયતપુરા પ્રભા હનુમાનજી મંદિરમાં નવા મહંતની કૌશલેન્દ્ર પ્રસાદે નિયુક્તિ કરી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ નવા મહંત ચાર્જ લેવા પહોંચે તે પહેલા ગામવાસીઓએ ભેગા મળીને મંદિરના મુખ્ય ગેટને તાળું મારીને નવા મહંત સહિતના સાધુઓને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા. જો કે તે સમયે ગામવાસીઓનો ઉગ્ર રોષ જોતા આવેલા સાધુઓ પરત ફર્યા હતા. જો કે તે સમયે આવેલા જેતલપુરના પી.પી સ્વામીના ઈશારે ગામવાસીઓમાં તડા કેમ પાડવા તેના અવનવા નુસખાઓની આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદની આગેવાનીમાં ચર્ચા કરવામાં આવી હતી.
જમિયતપુરાના ગામવાસીઓને મંદિરમાં મહંત બદલાયાના નિર્ણયની જાણ થતા જ તેઓ એકસૂરે વિરોધ માટે ઉતરી પડ્યા હતા. જો કે તેમાં કૌશલેન્દ્ર પ્રસાદે એવી રાજકીય ગેમ રમી કે આ ગામવાસીઓમાં તડા પડી ગયા. આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદના ઈશારે તેમના કેટલાક મળતિયાઓએ જાતિના નામે વાતો કરીને ગામવાસીઓમાં તડાં પડાવવાની શરૂઆત કરી. પટેલોને કેટલાક લોકો દ્વારા એવી વાતોથી ગેરમાર્ગે દોરવામાં આવ્યા કે જો આ મંદિરમાં સાધુઓ નહિ આવે તો ગામના કેટલાક ઠાકોરો અને અન્ય જાતિના લોકો ઘુસી જશે અને મંદિર તેમના હસ્તક લઇ લેશે. આમ કૌશલેન્દ્ર પ્રસાદના ઈશારે સમગ્ર મામલાને જાતિવાદ તરફ ધકેલી વિરોધીઓમાં ફાંટા પાડવાની શરૂઆત કરવામાં આવી હોવાની પણ ચર્ચાએ વેગ પકડ્યો છે.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય અવારનવાર આચાર્ય અને સાધુઓની વર્તણૂકને લઈને વિવાદમાં રહ્યો છે. આચાર્યની આપખુદ્શાહીથી સમગ્ર સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ધર્મના વડા આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ રાજકીય માઈન્ડ ધરાવે છે અને તેઓ રાજકારણીઓની જેમ પોતાની સત્તા માટે હવાતિયાં મારે છે. કાળુપુર તાબા હેઠળના મંદિરો પોતાના નામે કરી દેવાનો વિવાદ મોટાભાગના તમામ મંદિરોમાં થઇ ચુક્યો છે. જે વિવાદ હવે જમિયતપુરા પહોંચ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

કાયમી પુનરાવર્તન ? : રાજકોટની ઘટનામાં તપાસના નામે નાટકો થશે અને કોર્ટો વર્ષો વર્ષ કેસો ચલાવશે ! : સુઓમોટો ક્યારે ?